11 January, 2025 04:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઑલ ફૂડ ઍન્ડ ડ્રગ લાઇસન્સ હોલ્ડર્સ ફાઉન્ડેશનના પ્રેસિડન્ટ અભય પાંડે.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની મુંબઈમાં આવેલી સંખ્યાબંધ હૉસ્પિટલોને દવા સપ્લાય કરતા સપ્લાયર્સનું છેલ્લા ૪-૫ મહિનાથી પેમેન્ટ ક્લિયર નથી કરવામાં આવ્યું. તેમના અંદાજે વીસથી ૨૫ કરોડ રૂપિયાનાં બિલ ક્લિયર નથી કરવામાં આવ્યાં. એ સિવાય તેમની સિક્યૉરિટી ડિપોઝિટની રકમ જે છેલ્લાં ચાર વર્ષથી BMCએ પોતાની પાસે જમા રાખી છે એ પણ ૧૦૦ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. સપ્લાયર્સ દ્વારા આ બાબતે વ્યક્તિગત રીતે BMCનો અપ્રોચ પણ કરવામાં આવ્યો હતો અને રજૂઆત કરતા પત્રો પણ લખ્યા હતા, પરંતુ કોઈ પરિણામ ન આવતું હોવાથી હવે સોમવારથી તેઓ BMCની હૉસ્પિટલોને દવા સપ્લાય કરવાનું બંધ કરી દેવાના છે. તેમનું કહેવું છે જ્યાં સુધી પેમેન્ટ ક્લિયર નહીં કરાય ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે.
કે.ઈ.એમ. હૉસ્પિટલ, નાયર હૉસ્પિટલ, સાયન હૉસ્પિટલ, અંધેરીની કૂપર હૉસ્પિટલ, કાંદિવલીની શતાબ્દી હૉસ્પિટલ, ઘાટકોપરની રાજાવાડી હૉસ્પિટલ જેવી BMCની હૉસ્પિટલોમાં રોજેરોજ આઉટપેશન્ટ ડિપાર્ટમેન્ટ (OPD) અને હૉસ્પિટલમાં દાખલ દરદીઓની સંખ્યા મોટી હોય છે અને તેમની સારવારમાં એ હૉસ્પિટલો દ્વારા મોટા પ્રમાણમાં દવાઓ વપરાતી હોય છે. જો એની સપ્લાય જ અટકી જશે તો હૉસ્પિટલોમાં દવાની અછત ઊભી થશે.
ઑલ ફૂડ ઍન્ડ ડ્રગ લાઇસન્સ હોલ્ડર્સ ફાઉન્ડેશને સોમવાર, ૧૩ જાન્યુઆરીથી દવાની સપ્લાય રોકી દેવાનું અલ્ટિમેટમ BMCને આપ્યું છે. જોકે એ પહેલાં તેમના દ્વારા આ માટે પત્રો પણ લખવામાં આવ્યા હતા અને વ્યક્તિગત મુલાકાતો પણ લેવામાં આવી હતી. અનેક રજૂઆતો કરવા છતાં જ્યારે પેમેન્ટ ક્લિયર નથી થઈ રહ્યું ત્યારે તેમણે આ પગલું ઉપાડ્યું છે.
BMCની આ હૉસ્પિટલોમાં દવા સપ્લાય કરતા સપ્લાયર્સના સંગઠન ઑલ ફૂડ ઍન્ડ ડ્રગ લાઇસન્સ હોલ્ડર્સ ફાઉન્ડેશનના પ્રેસિડન્ટ અભય પાંડેએ આ વિશે ‘મિડ-ડે’ને માહિતી આપતાં કહ્યું હતું કે ‘અમે જાણીએ છીએ કે અમારા આ પગલાથી દરદીઓને હાલાકી ભોગવવી પડી શકે છે, પણ અમે મજબૂર છીએ. આટલી મોટી રકમ BMCએ ક્લિયર કરી ન હોવાથી અમારા સપ્લાયરોને પેમેન્ટ કરવામાં તકલીફ પડી રહી છે. અમને તો તેમની પાસેથી નવી દવા ખરીદવામાં પણ મુશ્કેલી પડી રહી છે. આ જ કારણસર નાછૂટકે આવું પગલું લેવા અમે મજબૂર છીએ. આમાં બે રીતનાં પેમેન્ટ અટવાયાં છે. એક છે ૧૦ ટકા સિક્યૉરિટી ડિપોઝિટ. છેલ્લાં ૪ વર્ષમાં BMC પાસે અમારા સપ્લાયર્સની ૧૦૦ કરોડ રૂપિયાની સિક્યૉરિટી ડિપોઝિટ જમા થઈ ગઈ છે જે પાછી આપવામાં નથી આવી. બીજી રકમ અર્નેસ્ટ મનીની હોય છે. BMCનું ટેન્ડર નીકળે તો સપ્લાયર્સ ચાર કે પાંચ ટેન્ડર ભરતાં હોય છે. એમાંથી એકાદું ટેન્ડર મળે, પણ બાકીનાં ટેન્ડર્સની ટેન્ડર ભરતી વખતે જે અર્નેસ્ટ મનીની રકમ ભરી હોય એ પણ પાછી આપવામાં બહુ ઠાગાઠૈયા કરે છે. આ રકમ ૨૦ કરોડ રૂપિયા જેટલી છે, પણ એ ૧૦૦ કરોડ રૂપિયામાં સામેલ છે.’
આ સંદર્ભમાં ‘મિડ-ડે’એ ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર (હેલ્થ) ડૉ. વિપિન વર્માનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી, પણ તેઓ નહોતા મળી શક્યા.