વાવાઝોડામાં પડી ગયેલા ઝાડ બદલ બીએમસીએ કર્યો સોસાયટીને દંડ

31 May, 2021 09:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જોકે એનો વિરોધ નોંધાવીને મુલુંડની સોસાયટીનું કહેવું છે કે નૈસર્ગિક આપત્તિ વખતે પડી ગયેલા ઝાડ માટે અમે શું કામ દંડ ભરીએ

વાવાઝોડા તાઉ-તે દરમ્યાન અનિલ અપાર્ટમેન્ટમાંનું વડનું ઝાડ મૂળમાંથી ઊખડી જઈને બાજુની ચાલ પર પડ્યું હતું.

શહેરની કેટલીક સોસાયટીઓને બીએમસી દ્વારા ચક્રવાત તાઉ-તે દરમ્યાન પડી ગયેલાં વૃક્ષોના ટ્રીમિંગ તેમ જ રોપણી માટે નોટિસ પાઠવવામાં આવી છે. આવી જ એક સોસાયટી છે મુલુંડસ્થિત અનિલ અપાર્ટમેન્ટ, જેને વડના ઝાડની ડાળીઓ કાપવા બદલ ૧૪,૦૬૭ રૂપિયાનો દંડ ચૂકવવાની માગણી કરતી નોટિસ ફટકારવામાં આવી હતી. આ ઝાડ તાઉ-તે વાવાઝોડા વખતે મૂળમાંથી ઊખડીને નજીકની ચાલી પર પડ્યું હતું. નોટિસમાં એ જ સ્થળે વૃક્ષ રોપવાનો પણ ઉલ્લેખ કરાયો છે. ચાલીના રહેવાસીઓએ ફરીથી આવી ઘટનાનું પુનરાવર્તન થવાના ભયે વૃક્ષ રોપવાનો વિરોધ કરતાં આ આખી ઘટના પ્રકાશમાં આવી હતી. 

શહેરની સોસાયટીઓએ ચોમાસા પહેલાં વૃક્ષો કાપવા બદલ બીએમસી દ્વારા લાદવામાં આવેલા દંડનો વિરોધ કર્યો છે. વાવાઝોડામાં ૮૧૨ વૃક્ષો મૂળમાંથી ઊખડી ગયાં તથા ૧૪૫૪ વૃક્ષોની ડાળીઓ તૂટી પડતાં આ મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો હતો. આમાંથી ૩૦૮ વૃક્ષો જાહેર વિસ્તારમાં, જ્યારે કે બાકીનાં ખાનગી સ્થળોએ મૂળમાંથી ઊખડી ગયાં હતાં. સોસાયટીનું કહેવું છે કે આ તો વાવાઝોડા વખતે પડી ગયેલું ઝાડ છે એના માટે સોસાયટીને દંડ કઈ રીતે કરી શકાય.

 અનિલ અપાર્ટમેન્ટમાં વધુ ચાર વૃક્ષ છે, પરંતુ આ વડનું ઝાડ બિલ્ડિંગની દીવાલ નજીક આપમેળે જ ઊગી નીકળ્યું હતું અને વાવાઝોડામાં ઊખડી જઈને બાજુની ચાલ પર પડ્યું હતું. વાવાઝોડું એક કુદરતી આફત છે, આવામાં સહાય કરવાને સ્થાને બીએમસી વૃક્ષો રોપવા માટે દંડ ફટકારી રહી છે તેમ જ પાડોશની ચાલના લોકો પણ આવા મોટા વૃક્ષને રોપવાનો વિરોધ કરી રહ્યા છે, એમ જણાવતાં અનિલ અપાર્ટમેન્ટના સેક્રેટરી દિલીપ મ્હાપુસકરે વધુમાં ઉમેર્યું હતું કે ‘બીએમસીના અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લેતાં વૃક્ષ ૮ ફીટ ઊંડે વાવ્યું હોવાની ચોકસાઈ કરી હતી. અમે વૃક્ષો કાપવા નથી માગતા, પણ બીએમસીએ લાગુ કરેલી દંડની રકમ ચૂકવવા અક્ષમ છીએ.’ 

વૃક્ષ જે ચાલ પર પડ્યું હતું એના રહેવાસી અશ્વિન કેનીએ કહ્યું હતું કે ‘જે ઘર પર આ વૃક્ષ પડ્યું ત્યાં બે વિકલાંગ લોકો રહે છે. સદ્ભાગ્યે વૃક્ષ રૂમના છાપરા પરના લોખંડના રૉડમાં અટકી જતાં કોઈને ઈજા પહોંચી નહોતી. જોકે આવી દુર્ઘટના ફરી પણ બની શકે છે અને દરેક વખતે કોઈને ઈજા ન પહોંચે એવું ન પણ બને.’ 

જોકે અનિલ અપાર્ટમેન્ટ એ એક માત્ર બિલ્ડિંગ નથી, દેશમુખવાડી સ્થિત આર્યાવ્રત સોસાયટીને પણ બીએમસી દ્વારા ૯૩૮૨ રૂપિયાનો દંડ ભરવાની નોટિસ મોકલવામાં આવી છે. બીએમસીનું આવું વલણ લોકોને વૃક્ષ રોપતા અટકાવી રહ્યું છે. ટ્રી ઍક્ટ ૧૯૭૫ મુજબ વૃક્ષોનું રક્ષણ અને દેખભાળ કરવાની જવાબદારી ટ્રી ઑથોરિટીની છે, આ બીએમસીની જવાબદારી છે તો તે કર કેવી રીતે લાદી શકે, એમ પર્યાવરણ ઍક્ટિવિસ્ટ ઝોરુ ભથેનાએ જણાવ્યું હતું. 

mumbai mumbai news cyclone tauktae maharashtra prajakta kasale