26 November, 2024 12:58 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કલ્યાણના પરેશ જ્વેલર્સમાં દાગીના તપાસી રહેલા BIS મુંબઈ બ્રાન્ચ ઑફિસ-ટૂ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ.
કલ્યાણના બાજારપેઠ વિસ્તારમાં આવેલા પરેશ જ્વેલર્સમાં ગઈ કાલે બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)ના અધિકારીઓએ દરોડો પાડીને હૉલમાર્ક વગરના ૧૬૧૦ ગ્રામ સોનાનાં ઘરેણાં જપ્ત કર્યાં હતાં. આ દરોડાથી કલ્યાણના જ્વેલર્સમાં ફફડાટ ફેલાયો છે.
આ દરોડાની આગેવાની BIS મુંબઈ બ્રાન્ચ ઑફિસ-ટૂ ડિપાર્ટમેન્ટના ટી. અર્જુને લીધી હતી. ટી. અર્જુને આ દરોડાની વિગત આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પરેશ જ્વેલર્સમાં હૉલમાર્કિંગ વગરનો માલ વેચવામાં આવે છે એવી ફરિયાદ આ જ્વેલરના એક ગ્રાહકે અમને ઈ-મેઇલ કરીને કરી હતી. એના આધારે અમે પહેલાં તપાસ કરી હતી અને ત્યાર બાદ અમારી ટીમે ગઈ કાલે બપોરે ૧૨ વાગ્યે પરેશ જ્વેલર્સમાં દરોડો પાડ્યો હતો. ચાર કલાક ચાલેલા અમારા દરોડામાં અમે પરેશ જ્વેલર્સમાંથી સોનાની ચેઇન, મંગળસૂત્ર, હાથનાં કડાં, વીંટી જેવી પ્રોડક્ટ જપ્ત કરી હતી. આ જ્વેલરી અમે કોર્ટમાં રજૂ કરીને કોર્ટના આદેશ પ્રમાણે આગળની કાર્યવાહી કરીશું.’
સરકારે સોનાના દાગીના પર ૬ ડિજિટનો હૉલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન નંબર ૨૦૨૧થી ફરજિયાત કરી દીધો છે અેમ જણાવતાં ટી. અર્જુને કહ્યું હતું કે ‘સરકારના કાયદા છતાં અને કાયદાનાં ત્રણ વર્ષ પછી પણ અનેક જ્વેલર્સ ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST) બચાવવા માટે હૉલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન નંબર સોનાના દાગીના પર સ્ટૅમ્પ કરતા નથી. આ પ્રકારના દાગીના ભારતમાં વેચવા ગેરકાયદે છે છતાં અમુક જ્વેલરો કાયદાનું પાલન કરતા નથી. અમે આ પહેલાં થાણે રીજનમાં મીરા રોડમાં બે જ્વેલર્સને ત્યાં દરોડો પાડીને હૉલમાર્કિંગ વગરના દાગીના જપ્ત કર્યા હતા. ગઈ કાલે અમે કલ્યાણના પરેશ જ્વેલર્સમાંથી ગ્રાહકની ફરિયાદને પગલે દરોડા પાડીને દાગીના જપ્ત કર્યા હતા. આ પ્રકારના દાગીના વેચવા એ ગ્રાહકો સાથે છેતરપિંડી છે. ગ્રાહકોએ પણ આવા દાગીના ખરીદતાં પહેલાં સાવધાની રાખવાની જરૂર છે.’
આ બાબતે પરેશ જ્વેલર્સના પરેશ જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે આ મામલો હજી ઇન્વેસ્ટિગેશનમાં હોવાથી અમે એના પર કોઈ કમેન્ટ કરવા નથી માગતા.