30 September, 2024 03:05 PM IST | Mumbai | Heena Patel
પરિવાર સાથે ડૉ. ભાસ્કર લંગાળિયા
એક વર્ષ પહેલાં કિડની ટ્રાન્સપ્લાન્ટની સર્જરી કરાવનારા ૬૩ વર્ષના કાંદિવલીના હોમિયોપથી ડૉક્ટર ભાસ્કર લંગાળિયા સવાર-સાંજ કન્સલ્ટેશન કરે અને બાકીનો બધો સમય પેઇન્ટિંગમાં ડૂબેલા હોય. આર્ટ ગૅલરીમાં ચિત્રોની જબરી ડિમાન્ડ ધરાવતા ભાસ્કરભાઈએ હવે જૈન તીર્થોનાં ચિત્રો બનાવવાનું શરૂ કર્યું છે
લાઇફની રેસમાં એવું થતું હોય છે કે પ્રોફેશનના ચક્કરમાં પૅશન પાછળ છૂટી જાય છે. ખૂબ ઓછા લોકો હશે જેમણે તેમના પૅશનને જ પ્રોફેશન બનાવી લીધું હોય. પૅશન અને પ્રોફેશન બન્નેને સાથે લઈને ચાલવાનું અઘરું છે. કાંદિવલી રહેતા ૬૩ વર્ષના ભાસ્કર લંગાળિયા સાથે પણ કંઈક એવું થયું હતું. વ્યવસાયે ડૉક્ટર એવા ભાસ્કરભાઈ ક્લિનિકની દોડધામ વચ્ચે પેઇન્ટિંગનો શોખ ભૂલી ગયા હતા. જોકે આજથી આઠ વર્ષ પહેલાં પેઇન્ટિંગ સાથે ફરી તેમનો ભેટો થયો અને એ પછી તેમણે ક્યારેય એનો સાથ છોડ્યો નથી. આ ઉંમરે પણ ભાસ્કરભાઈ પ્રોફેશન અને પૅશન વચ્ચે સરસ બૅલૅન્સ જાળવીને આગળ વધી રહ્યા છે.
આર્ટિસ્ટની જર્નીની શરૂઆત
છેલ્લાં ૩૫ વર્ષથી હોમિયોપથિક કન્સલ્ટન્ટ તરીકે કામ કરતા ડૉ. ભાસ્કર લંગાળિયાની આજથી લગભગ ૮ વર્ષ પહેલાં એક આર્ટિસ્ટ તરીકેની જર્ની શરૂ થઈ હતી. આ વિશે વાત કરતાં ભાસ્કરભાઈ કહે છે, ‘હું ત્રણ મહિના માટે ટૂરિસ્ટ વિઝા પર અમેરિકા ગયેલો. મારો દીકરો હેનિલ ત્યાં સેટલ છે. અહીં મારી પાસે કરવા માટે કોઈ પ્રવૃત્તિ નહોતી. બીજી બાજુ મને નવરા બેસવું ગમે નહીં એટલે મારા દીકરાએ મને ઘેરબેઠાં પેઇન્ટિંગ કરવાનું સજેશન આપ્યું. પેઇન્ટિંગ મારું પૅશન હતું પણ ક્લિનિકના કામ વચ્ચે કોઈ દિવસ પેઇન્ટિંગ કરવા બેસવાની ફુરસદ મળી નહોતી. મારા દીકરાએ મને આર્ટ મટીરિયલ પણ ખરીદી આપ્યું. એ રીતે મેં વર્ષો પછી ફરી કૅન્વસ પર ચિત્રો કંડારવાનું શરૂ કર્યું.’
ભાસ્કરભાઈ કમર્શિયલ આર્ટિસ્ટ છે. તેમનાં પેઇન્ટિંગ્સ વિવિધ આર્ટ ગૅલરીમાં ઑનલાઇન વેચાય છે. આમાંની એક લંડનની સાચી આર્ટ ગૅલરી પણ છે. આજથી અંદાજે ૬ વર્ષ પહેલાં આ ગૅલરીમાં તેમની એક ઍબસ્ટ્રૅક્ટ પેઇન્ટિંગ પિક્ચર ઑફ ધ ડે તરીકે પણ સિલેક્ટ થઈ હતી. ભાસ્કરભાઈ ઍબસ્ટ્રૅક્ટ પેઇન્ટિંગ, એક્સપ્રેશનીઝમ, કન્સેપ્ટચ્યુલ આર્ટ, કોલાજ બધા ટાઇપનું પેઇન્ટિંગ કરે છે. તેઓ કહે છે, ‘મને પહેલેથી જ આર્ટનું પૅશન હતું. જોકે એ સમયે એમાં કારકિર્દી બનાવવાનો કોઈ વિચાર નહોતો. મારે ડૉક્ટર બનવું હતું એટલે મેં મારી હૉબીને સાઇડમાં મૂકી દીધી. આજથી ૩૫ વર્ષ પહેલાંનો સમય એવો હતો કે આર્ટ-ફીલ્ડમાં એટલી ઑપોર્ચ્યુનિટી નહોતી જેટલી આજે એક આર્ટિસ્ટને મળી રહી છે. ડૉક્ટર બન્યા પછી ક્લિનિક ચલાવવામાં એટલો વ્યસ્ત થઈ ગયો કે મારો પેઇન્ટિંગનો શોખ પાછળ છૂટી ગયો. જોકે અત્યારે મારી પાસે ઘરે ૫૦૦ પેઇન્ટિંગનું કલેક્શન છે.’
વર્ક-પૅશન વચ્ચે બૅલૅન્સ
કામની સાથે પેઇન્ટિંગ માટેનો સમય ભાસ્કરભાઈ કઈ રીતે કાઢી લે છે એ વિશે તેઓ કહે છે, ‘અત્યારે હું મારા ઘરથી જ ઑનલાઇન કન્સલ્ટેશન આપું છું. એ પણ અગાઉથી અપૉઇન્ટમેન્ટ લીધી હોય તો જ. સવાર-સાંજ કન્સલ્ટેશનનું કામ ચાલતું હોય. બપોરના સમયે મને સૂવાની આદત નથી એટલે વચ્ચે જે ત્રણ-ચાર કલાક મળે એમાં હું પેઇન્ટિંગ બનાવવા માટે બેસી જાઉં. એ સિવાય રવિવારનો દિવસ પણ મને મળે.’
ક્લિનિક બંધ કરીને હોમ કન્સલ્ટેશન શરૂ કરવા પાછળ પણ ભાસ્કરભાઈને નડેલા કેટલાક શારીરિક પડકાર હતા. એ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘હજી ૯ મહિના પહેલાં જ મારી કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ છે. જનરલી કિડની અને લિવરના પ્રૉબ્લેમમાં એવું છે કે એ ૫૦ ટકા ડૅમેજ થઈ જાય પછી જ એનાં લક્ષણો દેખાય. મારા કેસમાં પણ એવું જ થયું. કિડની ડૅમેજ થઈ ગઈ ત્યારે ખબર પડી. હું પોતે ડૉક્ટર છું એટલે મેં મારી રીતે હોમિયોપથી મેડિસિન ટ્રાય કરી, પણ એની કોઈ અસર ન થઈ. મારા ડૉક્ટરે પણ મને કહી દીધું કે તમારી કિડની વધુ પડતી ડૅમેજ છે એટલે મેડિસિનથી સારું નહીં થાય. ડાયાલિસિસ અથવા તો કિડની ટ્રાન્સપ્લાન્ટ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી એટલે મેં અંતે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાનો નિર્ણય લીધો. મને મારી પત્ની મેઘાએ કિડની ડોનેટ કરી છે. ભાગ્યે જ એવું બનતું હોય છે કે કોઈ તેમના શરીરનું અંગ બીજાને આપવા તૈયાર થાય. હું એટલો સદ્નસીબ છું કે મારી પત્નીએ તેની કિડની મને ડોનેટ કરી. ક્લિનિક બંધ કરીને ઘરેથી કન્સલ્ટેશન ચાલુ કરવાનું કારણ પણ એ જ છે કે ડૉક્ટરે મને ઇન્ફેક્શનથી બચવા માટે દરદીઓના સીધા સંપર્કમાં આવવાની મનાઈ ફરમાવી છે.’
આર્ટ પ્રત્યેના પ્રેમે તેમને કઈ રીતે શારીરિક તકલીફોમાંથી બહાર નીકળવામાં મદદ કરી એ વિશે તેઓ કહે છે, ‘આપણે ઑપરેશન કરવાનું હોય ત્યારે ડૉક્ટર આપણને ઍનેસ્થેસિયા આપે જેથી આપણને પીડા ન થાય. એવી જ રીતે પેઇન્ટિંગ કરવા બેસું ત્યારે હું મારી બધી પીડા ભૂલી જાઉં છું અને મારી રંગની દુનિયામાં મશગૂલ થઈ જાઉં છું.’
જૈન તીર્થોનાં પેઇન્ટિંગનો વિચાર
વૈષ્ણવ પરિવારમાંથી આવતા ભાસ્કરભાઈ દેરાસરમાં કે જૈન પરિવારમાં કોઈને જૈનોનાં પવિત્ર સ્થળો જેમ કે શેત્રુંજય મહાતીર્થ, ગિરનારજી તીર્થ, આબુજી તીર્થ, સમેતશિખરજી, અષ્ટાપદજી તીર્થ, જલ મંદિર તેમ જ અષ્ટમંગલ, નવકાર મંત્ર, ઓમ રીમ વગેરેનું પેઇન્ટિંગ તૈયાર કરીને આપે છે. આ શરૂ કરવાનો વિચાર કઈ રીતે આવ્યો એ વિશે વાત કરતાં ભાસ્કરભાઈ કહે છે, ‘મારા નાના ભાઈ મુકેશ જૈનોનાં દેરાસર, મહારાજશ્રી તેમ જ જૈનોના ગ્રુપમાં જાણીતું નામ છે. સાથે જ છેલ્લાં ૧૦ વર્ષથી આંગી બનાવવાના પણ નિષ્ણાત છે. તેમણે મને જૈનોનાં પવિત્ર ધર્મસ્થળોનાં પેઇન્ટિંગ્સ તૈયાર કરવાની સલાહ આપી હતી.’પેઇન્ટિંગની પ્રાઇસ અને એ કેટલાં ટકાઉ હોય એ વિશે માહિતી આપતાં ભાસ્કરભાઈ કહે છે, ‘હું પેઇન્ટિંગ કૅન્વસ પર કરું છું, જે બેસ્ટ મટીરિયલ ગણાય છે. પેઇન્ટિંગ માટે ઍક્રિલિક કલર યુઝ કરું છું. પેઇન્ટિંગ રેડી થયા પછી એના પર લેકર કોટિંગ કરું છું, જે પેઇન્ટિંગને ચમક આપવાની સાથે એને વર્ષોનાં વર્ષ સુધી એવી ને એવી સ્થિતિમાં જાળવી રાખે. તમારે ૪૦-૫૦ વર્ષ સુધી પાછું વળીને જોવું ન પડે. મારા પેઇન્ટિંગની પ્રાઇસ ૨૨૦૦થી ૪૪૦૦ પર સ્ક્વેર ફીટ હોય છે. હું સામેવાળાની જરૂરિયાત મુજબની સાઇઝમાં તેમને પેઇન્ટિંગ રેડી કરીને આપું છું. હજી છેલ્લા બે મહિનાથી જ મેં જૈન તીર્થોનાં પેઇન્ટિંગ્સ બનાવવાનું શરૂ કર્યું છે.’