06 March, 2025 09:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અત્યારે ૧૦ મહિનાની થયેલી રાયકા સાથે મમ્મી-પપ્પા જાસ્મિન અને રચિત વિસરિયા.
મુલુંડ-વેસ્ટમાં રહેતાં જાસ્મિન અને રચિત વિસરિયાની દીકરી રાયકા પાંચ મહિના અને ૧૩ દિવસની હતી ત્યારે તેના વાળ એક ફુટ લાંબા હતા અને એ માટે તેને વર્લ્ડવાઇડ બુક ઑફ રેકૉર્ડ્સ તરફથી સૌથી લાંબા વાળનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. ઇન્ફન્ટ કૅટેગરીમાં આ એક વર્લ્ડ રેકૉર્ડ હોવાનું વર્લ્ડવાઇડ બુક ઑફ રેકૉર્ડ્સનું કહેવું છે.
હવે ૧૦ મહિનાની થઈ ગયેલી રાયકાની આ અનોખી સિદ્ધિ વિશે જણાવતાં તેના પપ્પા રચિત વિસરિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૦૨૪ની ૨૪ એપ્રિલે રાયકાનો જન્મ થયો હતો. એ વખતે તેને જોઈને બધા જ કહેતા હતા કે બાળકીના વાળ બહુ સરસ અને લાંબા છે. એ જ સમયે મારા ફ્રેન્ડ-સર્કલમાં બીજાં પણ કેટલાંક બાળકો જન્મ્યાં હતાં, પણ તેમના કોઈના વાળ રાયકા જેટલા લાંબા નહોતા. એથી કોઈએ કહ્યું, ચેક તો કરો લાંબા વાળનો રેકૉર્ડ શું છે? એથી મેં ગૂગલ પર સર્ચ કર્યું. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં એક વર્ષ કરતાં ઉપરની જ કૅટેગરી છે, જ્યારે વર્લ્ડવાઇડ બુક ઑફ રેકૉર્ડ્સમાં એનાથી નાની કૅટેગરી પણ લેવાય છે. આ પહેલાંનો ઇન્ફન્ટ કૅટેગરીનો રેકૉર્ડ ૮ ઇંચ લાંબા વાળનો હતો. એથી અમે વર્લ્ડવાઇડ બુક ઑફ રેકૉર્ડ્સનો સંપર્ક કર્યો હતો. તેમનું હેડક્વૉર્ટર લંડનમાં છે. ભારતમાં દિલ્હીમાં તેમની ઑફિસ છે. અમે તેમનો સંપર્ક કરીને વિગતો, ફોટો અને વિડિયો પણ મોકલાવ્યા. રાયકા જ્યારે પાંચ મહિના અને ૧૩ દિવસની હતી ત્યારે તેના વાળ એક ફુટ એટલે કે ૧૨ ઇંચ લાંબા થઈ ગયા હતા. એના ફોટો, વિડિયો વગેરેની ચકાસણી કરી આખરે અઢી મહિના બાદ વર્લ્ડવાઇડ બુક ઑફ રેકૉર્ડ્સે એને માન્ય રાખી રાયકાને એ માટેનું સર્ટિફિકેટ આપ્યું હતું. અમારી ફૅમિલીમાં મારાં સિનિયર સિટિઝન મધર-ફાધર હજી પણ સ્વસ્થ છે અને પૂરતા પ્રમાણમાં વાળ ધરાવે છે. મારું અને મારી વાઇફનું પણ એવું જ છે એટલે કદાચ રાયકાને લાંબા વાળ હોવા એ વંશપરંપરાગત હોઈ શકે.’
રચિત વિસરિયાએ એન્જિનિયરિંગ કર્યું છે અને હાલ પ્રોફેસર છે, જ્યારે તેમનાં પત્ની જાસ્મિન પટેલ-વિસરિયા ટ્રાવેલ એજન્ટ છે. રચિતના પિતા ખુશાલ વિસરિયા ડૉક્ટર છે.