02 May, 2024 07:40 AM IST | Mumbai | Priti Khuman Thakur
પ્રજેશ પટેલના પાર્થિવ દેહને ડોનેટ કરવા માટે જ્યારે અૅમ્બ્યુલન્સમાં લઈ જવાયો ત્યારે સ્વજનોએ અને ગામવાસીઓએ તેને સલામી આપી હતી
વર્ષોથી અંધેરી-વેસ્ટના ચાર બંગલા વિસ્તારમાં રહેતા મૂળ આણંદ જિલ્લાના ઓડ ગામના વતની અને ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ISRO)માં ઇલેક્ટ્રિકલ સર્કિટ, ગોલ્ડપ્લેટિંગ સપ્લાયનું કામ કરતા અને અંગદાનની જનજાગૃતિ માટે કાર્ય કરતી સંસ્થા ડોનેટ લાઇફના ટ્રસ્ટી પ્રકાશ પટેલનો કૅનેડામાં રહેતો ૩૯ વર્ષનો દીકરો પ્રજેશ પટેલ અચાનક તબિયત બગડતાં મૃત્યુ પામ્યો હતો. જોકે આવી પરિસ્થિતિમાં પણ અંગદાન માટે જનજાગૃતિ ફેલાવનારા પ્રકાશ પટેલે એક પળનોય વિલંબ કર્યા વિના પુત્રનો મૃતદેહ ભારત લાવી તેના દેહનું દાન કરીને સમાજ માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે.
પ્રજેશ પરિવાર સાથે કૅનેડા રહેતો હતો. ત્યાં તે બેકરી ચલાવતો હતો. રવિવારે ૨૧ એપ્રિલે પ્રજેશને જુલાબ-ઊલટી થતાં હૉસ્પિટલમાં દાખલ કર્યો હતો, પરંતુ થોડા કલાકની સારવાર બાદ બ્લડપ્રેશર અને ઑક્સિજન-લેવલ ઘટી જતાં તેનું મૃત્યુ થયું હતું. એની જાણ મુંબઈ રહેતાં પ્રજેશતાં માતા-પિતા પ્રકાશભાઈ અને આરતીબહેનને કરવામાં આવી હતી. દીકરાના મૃત્યુના સમાચાર સાંભળીને માતા-પિતાની હાલત કફોડી બની ગઈ હતી, પરંતુ આવી પરિસ્થિતિમાં પણ દીકરાનો મૃતદેહ વિદેશથી ભારત લાવીને તેમણે તેનું દેહદાન કર્યું હતું.
પ્રકાશભાઈની ઇચ્છા દીકરા પ્રજેશની આંખોનું દાન કરાવીને બીજી વ્યક્તિને રોશની આપવાની હતી, પરંતુ હૉસ્પિટલમાં આંખનું દાન થઈ શક્યું નહોતું એટલે પ્રજેશના મૃતદેહને રાસાયણિક પ્રક્રિયા કરીને મૉર્ગમાં મૂકવામાં આવ્યો હતો. એ પછી તેના મૃતદેહને ભારત લાવવાની તૈયારી શરૂ કરવામાં આવી હતી.
અનેક જગ્યાએથી મદદ મળી હોવાથી ૨૯ એપ્રિલે પ્રજેશનો મૃતદેહ ઍર ઇન્ડિયાની ફ્લાઇટ દ્વારા ટૉરોન્ટોથી દિલ્હી અને દિલ્હીથી અમદાવાદ લવાયા બાદ ઍમ્બ્યુલન્સમાં ઓડ ગામ લાવવામાં આવ્યો હતો. પ્રજેશના મૃતદેહને દિલ્હીથી અમદાવાદ ઍર ઇન્ડિયાની ફ્લાઇટથી સમયસર પહોંચાડવા માટે નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા અને આણંદના સંસદસભ્ય મીતેશ પટેલે ઘણો સહકાર આપ્યો હતો.
આવી દુ:ખની ઘડીમાં પણ પ્રજેશની પત્ની સેજલ, પિતા પ્રકાશભાઈ, માતા આરતીબહેન, સસરા અને પટેલ પરિવારજનોએ નિર્ણય કર્યો હતો કે પ્રજેશના અંતિમ સંસ્કાર કરવાને બદલે મેડિકલના વિદ્યાર્થીઓને શરીરની ઍનૅટૉમી શીખવા માટે દેહદાન કરવું જોઈએ. એથી પ્રજેશના પાર્થિવ દેહનું દાન ન્યુ વલ્લભ વિદ્યાનગરમાં આવેલી સીવીએમ યુનિવર્સિટીના જી. જે. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ આયુર્વેદિક સ્ટડીઝ ઍન્ડ રિસર્ચ સેન્ટરને આપવામાં આવ્યું હતું.
વિદેશ વસવાટ કરતા ભારતીય નાગરિક વિદેશમાં મૃત્યુ પામ્યા હોય અને દેશમાં તેમનું પાર્થિવ શરીર લાવીને એનું દેહદાન કર્યું હોય એવી દેશની કદાચ આ પ્રથમ ઘટના છે તેમ જ ચરોતર પંથકમાં પણ સૌથી નાની ઉંમરના વ્યક્તિના દેહદાનની સૌપ્રથમ ઘટના છે.
પ્રજેશની પત્ની સેજલ કૅનેડામાં શિક્ષિકા છે, જ્યારે તેમનો ૧૩ વર્ષનો દીકરો વિહાન અને ૮ વર્ષની દીકરી મિહિકા કૅનેડામાં ભણે છે. ભારતના ચંદ્રયાનમાં પ્રકાશભાઈની ગોલ્ડન પ્લેટ્સ હતી એ બદલ તેમનું ISRO દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું હતું. ૩૦ મેએ સવારે સાંકેતિક અંતિમ સંસ્કારની વિધિ કર્યા બાદ યોજાયેલી પ્રાર્થનાસભામાં ISROના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
મેં તો મારી ફરજ નિભાવી : પ્રજેશના પિતા પ્રકાશભાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું પોતે અંગદાન વિશે આણંદ વિસ્તારમાં જનજાગૃતિ ફેલાવવાનું કામ કરું છું. જ્યારે લોકોને હું અંગદાન વિશે સમજાવું છું તો મારા પરિવારમાં આવો બનાવ બને તો હું પાછળ કઈ રીતે હટી શકું? સમાજ પ્રત્યેની મારી જે ફરજ હતી એ મેં નિભાવી.’