22 December, 2024 01:51 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આરોપીઓ સાથે સુરત અને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમ
૧૭ ડિસેમ્બરે થાણેના નૌપાડા વિસ્તારમાં ડૉ. આંબેડકર ચોક પાસે આવેલી વામન શંકર મરાઠે જ્વેલર્સની દુકાનમાં અજાણ્યા શખ્સોએ શટર તોડીને કરેલી ચોરીના કેસમાં સુરત અને થાણે ક્રાઇમ બ્રાન્ચે જૉઇન્ટ ઑપરેશન કરીને સુરતમાંથી પાંચ આરોપીની શુક્રવારે ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી સોના અને ચાંદીના દાગીના મળીને ૨૯.૧૫ લાખ રૂપિયાની માલમતા કબજે કરી છે. જોકે ફરિયાદ અનુસાર આશરે પાંચ કરોડ રૂપિયાનું સોનું ચોરાયું હોવાની માહિતી ફરિયાદીએ આપી હતી, જેમાં ચાંદીનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો. આરોપી પાસેથી સાડાપાંચ કિલોગ્રામ ચાંદી મળી હોવાથી વેપારીએ ચાંદીને બદલે સોનાની માલમતા ચોરી થઈ છે એમ લખાવ્યું હોવાની પોલીસને શંકા છે.
થાણેના જ્વેલરની દુકાનમાં ચોરીનો પ્લાન સુરતમાં કોલ્ડ ડ્રિન્ક્સની એક દુકાનમાં બન્યો હતો એમ જણાવતાં સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ-ઇન્સ્પેક્ટર કીર્તિપાલસિંહ પુવારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘થાણેમાં થયેલી ચોરીના કેસમાં ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ અમને મળ્યાં હતાં. એના પરથી વધુ માહિતી કાઢતાં આમાંના કેટલાક આરોપી નાળિયાવાડામાં આવેલી એક કોલ્ડ ડ્રિન્ક્સની દુકાનમાં આવ-જા કરતા હોવાની માહિતી અમને મળી હતી. એટલે અમારી એક ટીમ કોલ્ડ ડ્રિન્ક્સની દુકાન નજીક સર્વેલન્સમાં ગોઠવાઈ ગઈ હતી. આ સર્વેલન્સમાં અમને ખાતરી થઈ હતી કે ચોરીનો માલ લઈ આવેલા આરોપી એ જ કોલ્ડ ડ્રિન્ક્સની દુકાનમાં છે. આ દરમ્યાન જ ટેક્નિકલ પુરાવા સાથે થાણે ક્રાઇમ બ્રાન્ચ પણ સુરત આવી પહોંચી હતી. ત્યાર પછી શુક્રવારે સંયુક્ત ઑપરેશન કરી થાણેની દુકાનમાં ચોરી કરનાર લીલારામ ઉર્ફે નીલેશ મેઘવાલ, જેસારામ ઉર્ફે દેવારામ કલબી (ચૌધરી), ચુનીલાલ ઉર્ફે સુમત પ્રજાપતિ, દોનારામ ઉર્ફે દિલીપ મેઘવાલની ધરપકડ કરવામાં આવી હતી. આ ચારેય આરોપી રાજસ્થાનના ઝાલોર વિસ્તારના છે. ઉપરાંત આ કેસમાં માસ્ટરમાઇન્ડ અને સુરતમાં બેસીને ચોરીનો પ્લાન કરનાર કોલ્ડ ડ્રિન્ક્સની દુકાનના માલિક નાગજીરામ મેઘવાલની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં આરોપીનો તાબો થાણે ક્રાઇમ બ્રાન્ચને શોપવામાં આવ્યો છે.’
૫,૭૯,૦૫,૮૧૬ રૂપિયાની ચોરીની ફરિયાદ સામે માત્ર ૨૯,૧૫,૩૪૦ રૂપિયાની માલમતા કબજે કરવામાં આવી છે એમ જણાવતાં સુરત ક્રાઇમ બ્રાન્ચના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ફરિયાદીએ ચોરીમાં સાડાપાંચ કિલોગ્રામ સોનું ચોરી થયું હોવાની માહિતી આપી હતી. ફરિયાદમાં કોઈ જગ્યાએ ચાંદીનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો, પણ જ્યારે અમે આરોપીનો તાબો લીધો ત્યારે તેમની પાસેથી સોનાને બદલે સાડાપાંચ કિલોગ્રામ ચાંદી મળી આવી હતી. એટલું જ નહીં, આ કેસમાં તમામ આરોપી અમારા તાબામાં છે અને ચોરીની ઘટનાના ગણતરીના દિવસોમાં અમે આરોપીઓને દબોચી લીધા છે એટલે એવી શક્યતા પણ નથી કે તેમણે બીજા કોઈને સોનું આપ્યું હોય. એટલે પ્રાથમિક માહિતીના આધારે એવું સામે આવ્યું છે કે ફરિયાદીએ ચાંદીને બદલે સોનું ફરિયાદમાં લખાવ્યું હોઈ શકે.’