16 March, 2025 07:13 AM IST | Jalgaon | Gujarati Mid-day Correspondent
જળગાવ જિલ્લામાં ગઈ કાલે સવારે ફાટક કુદાવીને પાટા પર ફસાઈ ગયેલી ટ્રક સાથે મુંબઈ-અમરાવતી એક્સપ્રેસની ટક્કર થઈ હતી
જળગાવ જિલ્લામાં ગઈ કાલે સવારે ફાટક કુદાવીને પાટા પર ફસાઈ ગયેલી ટ્રક સાથે મુંબઈ-અમરાવતી એક્સપ્રેસની ટક્કર થઈ હતી, પણ મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. આ ઘટનામાં કોઈને ઈજા થઈ નહોતી.
જળગાવ જિલ્લાના બોડવાડ સ્ટેશન પાસે પરોઢિયે ૪.૩૦ વાગ્યે આ ઘટના બની હતી. ટ્રક ચલાવી રહેલા ડ્રાઇવરે કન્ટ્રોલ ગુમાવતાં ટ્રક ફાટક વટાવી પાટા પર જઈને એમાં ફસાઈ ગઈ હતી. ડ્રાઇવર ત્યાર બાદ નીચે ઊતર્યો હતો અને મદદ મેળવવાની કોશિશ કરી રહ્યો હતો. એ વખતે મુંબઈ-અમરાવતી એક્સપ્રેસ આવી રહી હતી. ટ્રેનના લોકો પાઇલટ (મોટરમૅન)ને દૂરથી જ ટ્રૅક પર વચ્ચે ટ્રક ઊભી હોવાનું જણાઈ આવતાં તેણે ટ્રેનની સ્પીડ ઘટાડી દીધી હતી. એથી ટ્રેનની ટક્કર ટ્રકને લાગી ખરી, પણ એની અસર એકદમ ઘટી ગઈ હતી જેને કારણે મોટી દુર્ઘટના થતાં રહી ગઈ હતી. ટ્રૅકમાં ફસાઈ ગયેલી ટ્રક અને ત્યાર બાદ થયેલી ટક્કરને કારણે ૬ કલાક સુધી એ રૂટ પર ટ્રેનો અટકી ગઈ હતી. ટ્રક હટાવ્યા બાદ અને પાટાની પૂરતી ચકાસણી કર્યા પછી એના પરથી ટ્રેન-વ્યવહાર ફરી ચાલુ કરવામાં આવ્યો હતો. કલાકો સુધી ટ્રેનો લેટ થવાથી પ્રવાસીઓએ હાડમારી ભોગવવી પડી હતી.