મુંબઈમાં જામી છે ટેલિકૉમ-વૉર

23 November, 2023 07:15 AM IST  |  Mumbai | Shirish Vaktania

ભારતી ઍરટેલે ફરિયાદ કરી છે કે એના કસ્ટમરો કોઈ ચોરી રહ્યું છે

પ્રતીકાત્મક તસવીર

શહેરમાં ટેલિકૉમ યુદ્ધ હવે પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયું છે. મુંબઈ પોલીસ હાલમાં એક અજાણી મહિલાને શોધી રહી છે જેણે કથિત રીતે ભારતી ઍરટેલમાંથી ગ્રાહક-ડેટાની ચોરી કરી છે. તેણે ૪૧૯ ગ્રાહકોને વધારાના પ્લાન-રેટ વિશે ખોટી માહિતી આપીને બીજા નેટવર્ક પર સ્વિચ કરવા માટે સમજાવ્યા હતા. પરિણામે ઍરટેલને ૪.૮૩ લાખ રૂપિયાનું નુકસાન થયું છે. ગોરેગામમાં બાંગુરનગર લિન્ક રોડ પોલીસે અજાણી મહિલા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને આ મામલે તપાસ શરૂ કરી છે. ઍરટેલના રિપોર્ટ મુજબ ૯૯૯ અને ૧૪૯૯ પોસ્ટપેઇડ પ્લાનનો ઉપયોગ કરતા મોટા ભાગના ગ્રાહકોને આ મહિલા તરફથી કૉલ આવ્યા હતા.

ફરિયાદી મુકેશ રામબચ્ચન યાદવ છેલ્લાં ૧૪ વર્ષથી ભારતી ઍરટેલમાં મૅનેજર છે. તેમને ૧૭ જુલાઈએ રાહુલ જૈન નામના ગ્રાહક તરફથી ફરિયાદ મળી હતી. રાહુલ જૈને કંપનીને જાણ કરી કે તેને એક અજાણી મહિલાનો કૉલ આવ્યો હતો જેણે દાવો કર્યો હતો કે તેનો પોસ્ટપેઇડ પ્લાન આવતા મહિને વધારવામાં આવશે અને તેને અન્ય નેટવર્ક પર સ્વિચ કરવાની સલાહ આપી હતી. તેની વાતચીત રેકૉર્ડ કરીને ઑડિયો ઍરટેલના કસ્ટમર કૅરમાં સબમિટ કર્યો હતો. ઑડિયો મળ્યા પછી ઍરટેલે આ ઘટના વિશે ચર્ચા કરવા રાહુલ જૈનનો સંપર્ક કર્યો હતો અને પુરાવા તરીકે પેનડ્રાઇવ પર રેકૉર્ડિંગની નકલ મેળવી લીધી હતી. ત્યાર બાદ ભારતી ઍરટેલે તપાસ શરૂ કરી હતી અને મોબાઇલ નંબર પોર્ટેબિલિટી ઑફિસ પાસે મદદ માગી હતી. નંબરો સાથે જોડાયેલી ફરિયાદો શોધી કાઢી હતી જેણે ઍરટેલ યુઝરને અન્ય નેટવર્ક પર સ્વિચ કર્યા હતા.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મોટા ભાગના ગ્રાહકોને જુલાઈ અને ઑગસ્ટ ૨૦૨૩ વચ્ચે આ મહિલાના કૉલ્સ આવ્યા હતા. કુલ ૪૧૯ ઍરટેલ ગ્રાહકોએ કૉલ્સ પ્રાપ્ત કર્યા પછી તેમનું નેટવર્ક બદલ્યું હતું. આના કારણે ભારતી ઍરટેલને ૪.૮૩ લાખ રૂપિયાનું નુકસાન થયું છે. ‘મિડ-ડે’એ ઍરટેલના મૅનેજર મુકેશ યાદવનો પણ સંપર્ક કર્યો હતો. જોકે તેમણે કોઈ પણ વાત કરવાનો ઇનકાર કર્યો હતો અને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે તેમના ઉપરી અધિકારી ‘મિડ-ડે’ સાથે જોડાશે. 

airtel mumbai police maharashtra mumbai mumbai news shirish vaktania