Mumbai Airport: 6 કલાક માટે બંધ રહેશે મુંબઈનું વિમાનમથક, જાણો શું છે કારણ

16 October, 2023 04:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈ ઍરપોર્ટ (Mumbai Airport) પરથી મુસાફરી કરનારાઓ માટે મહત્ત્વના સમાચાર છે. મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ ઍરપોર્ટ 17 ઑક્ટોબરે 6 કલાક માટે બંધ રહેશે

મુંબઈ ઍરપોર્ટની પ્રતીકાત્મક તસવીર

મુંબઈ ઍરપોર્ટ (Mumbai Airport) પરથી મુસાફરી કરનારાઓ માટે મહત્ત્વના સમાચાર છે. મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ ઍરપોર્ટ 17 ઑક્ટોબરે 6 કલાક માટે બંધ રહેશે. આ છ કલાક દરમિયાન મુંબઈ ઍરપોર્ટ પરથી કોઈ ફ્લાઈટ ઑપરેટ થશે નહીં.

મુંબઈ ઍરપોર્ટ છ કલાક માટે બંધ

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ ઍરપોર્ટના બે રનવે 17 ઑક્ટોબર, મંગળવારે છ કલાક માટે બંધ રહેશે. મુંબઈ ઍરપોર્ટ સવારે 11થી સાંજે 5 વાગ્યા સુધી બંધ રહેશે. મુંબઈ ઍરપોર્ટના બંને રનવે જાળવણી કાર્ય માટે મંગળવારે સવારે 11 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી બંધ રહેશે, એમ ઍરપોર્ટ ઑપરેટરે એક નિવેદનમાં જણાવ્યું હતું.

બંધ થવાનું કારણ શું છે?

મુંબઈ ઍરપોર્ટ (Mumbai Airport)ના બંને રનવે પર મેન્ટેનન્સનું કામ કરવામાં આવશે. ઍરપોર્ટ ઑપરેટરના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ ઍરપોર્ટ (CSMIA)ની ચોમાસા પછીની વ્યાપક રનવે જાળવણી યોજનાના ભાગરૂપે, બંને રનવે RWY 09/27 અને RWY 14/32 17 ઑક્ટોબરના રોજ 11:00 AMથી 17:00 PM દરમિયાન બંધ રહેશે. ઑપરેટરે નિવેદનમાં ઉમેર્યું હતું કે, “CSMIAએ તમામ મુખ્ય વિભાગો સાથે મળીને અસરકારક રીતે ફ્લાઈટ્સ સુનિશ્ચિત કરી છે, જેથી જાળવણી કાર્ય સરળતાથી પૂર્ણ થઈ શકે. CSMIA મુસાફરો પાસેથી સહકાર અને સમર્થનની અપેક્ષા રાખે છે.”

છ કલાક સુધી કોઈ વિમાન નહીં કરે ટેક-ઑફ

મુંબઈ ઈન્ટરનેશનલ ઍરપોર્ટ 17 ઑક્ટોબરે છ કલાક માટે અસ્થાયી રૂપે બંધ રહેશે. મુંબઈ ઍરપોર્ટનું કામચલાઉ બંધ સીએસએમઆઈએના વાર્ષિક જાળવણી કાર્ય માટે છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, મુંબઈ ઍરપોર્ટના આ આયોજિત કામચલાઉ બંધનો મુખ્ય ઉદ્દેશ્ય ઍરપોર્ટના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવાનો અને તેને શ્રેષ્ઠ રીતે જાળવી રાખવાનો છે. આ સમયગાળા દરમિયાન જરૂરી સમારકામ અને જાળવણીના કામો કરવામાં આવશે. એરલાઇન્સ અને અન્ય સંબંધિતોને છ મહિના અગાઉ નોટિસ ટુ ઍરમેન (નોટમ) જાહેર કરવામાં આવે છે.

નાઇરોબીથી આવેલી મહિલા પાસેથી ૩૪૦૪ ગ્રામ સોનું પકડાયું

ઍર ઇન્ટેલિજન્સ યુનિટ (એઆઇયુ)એ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર શનિવારે નાઇરોબીથી આવેલી ૪૦ વર્ષની એક મહિલા પાસેથી ૩૪૦૪ ગ્રામ દાણચોરીથી લવાયેલું સોનું પકડી પાડ્યું હતું.

દાણચોરીના સોના સાથે પકડાયેલી સરાહ મોહમ્મદ ઓમર ૪૦ વર્ષની છે અને તે ઇંગ્લૅન્ડ અને નૉર્થ આઇલૅન્ડનો પાસપોર્ટ ધરાવે છે. ઍરપોર્ટ પર ઍર ઇન્ટેલિજન્સને પહેલેથી જ એ વિશે માહિતી મળી હોવાથી અધિકારીઓએ તેને રોકીને તેનો સામાન તપાસ્યો હતો. તેની તલાશી લેતાં તેનાં આંતઃવસ્ત્રોમાં અને શરીરમાં છુપાવેલું ૩૪૦૪ ગ્રામ દાણચોરીનું સોનું મળી આવ્યું હતું. એઆઇયુએ તેની સામે કેસ નોંધીને તેને કોર્ટમાં હાજર કરતાં કોર્ટે તેને ૧૪ દિવસની જેલ-કસ્ટડી આપી હતી. આ સોનું તે અહીં કોને આપવાની હતી, તે કોઈ મોટી સિન્ડિકેટની સભ્ય છે, તેને આ સોનું દાણચોરીથી ભારતમાં ઘુસાડવા માટે માત્ર કમિશન મળવાનું હતું, તેની સાથે અન્ય લોકો સંકળાયેલા છે કે નહીં એ બાબતોની તપાસ હવે ચાલી રહી છે.

mumbai airport mumbai mumbai news national news