04 March, 2025 12:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઍરપોર્ટ પર ઊતરતા પ્રવાસીઓને ઑટોરિક્ષાવાળા છેતરી વધુ પૈસા પડાવતા હોવાની ફરિયાદો આવી રહી હોવાથી ઍરપોર્ટ પરથી પ્રી-પેઇડ ઑટો ચાલુ કરાવવાની સરકારની તૈયારી છે.
મહારાષ્ટ્રના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈકે આ બાબતે કહ્યું હતું કે ‘બહુ જ જલદી ઍરપોર્ટનાં ટર્મિનલ-૧ અને ટર્મિનલ-૨ પરથી પ્રી-પેઇડ ઑટોરિક્ષા ચાલુ થઈ શકે એ માટે ઍરપોર્ટ અધિકારીઓ, રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO) અને રિક્ષા યુનિયનના પદાધિકારીઓ સાથે બેઠક બોલાવી કઈ રીતે આગળ વધવું એની રણનીતિ ઘડી કાઢવામાં આવશે. એવું જાણવા મળ્યું છે કે RTO દ્વારા વેસ્ટર્ન સબર્બ્સના અલગ-અલગ વિસ્તારોના રૂટ માટે કેટલું ભાડું રાખવું જોઈએ એની ગણતરી કરવા સર્વે પણ કરી લેવામાં આવ્યો છે.
ઍરપોર્ટ પર ઓછા સામાન સાથે એકલો પ્રવાસી આવતો હોય છે ત્યારે તે રિક્ષાનો વિકલ્પ જોતો હોય છે. જોકે ઘણી વાર રિક્ષા-ડ્રાઇવરો મીટર પર આવવાની ના પાડી દે છે અને લમ્પસમ બેફામ ભાડું પડાવતા હોય છે. હાલ બન્ને ટર્મિનલ પર પ્રી-પેઇડ ટૅક્સીની સુવિધા મળે છે જેનો પ્રવાસીઓ મહત્તમ ઉપયોગ કરે છે.
ઑટોરિક્ષા યુનિયન દ્વારા પણ ઍરપોર્ટથી પ્રી-પેઇડ ઑટો શરૂ કરવા માટે તૈયારી બતાવવામાં આવી છે, પણ તેમનું કહેવું છે કે એના માટે ઍરપોર્ટ પર બૂથ બનાવવું જરૂરી છે.