05 January, 2023 10:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર દર વર્ષે વધી રહેલા અકસ્માતોની સંખ્યા ચિંતાનો વિષય બની ગયો છે. ૨૦૨૨ની વાત કરીએ તો આ હાઇવે પર વિરારફાટા અને દહિસર ચેકનાકા વચ્ચે કુલ ૧૫૦ અકસ્માત થયા હતા. આ અકસ્માતોમાં ૫૯ લોકોનાં મોત થયાં હતાં અને ૯૨ લોકો જખમી થયા હતા. એમાંથી ૫૪ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને ૩૮ને થોડી ઈજા થઈ હતી. ૨૦૨૧ પર નજર કરીએ તો એ વર્ષમાં કુલ ૧૨૦ અકસ્માત થયા હતા. એમાં ૧૫ લોકોનાં મોત થયાં હતાં અને ૮૩ લોકો ઘાયલ થયા હતા. આ વર્ષે અકસ્માતો અને મૃત્યુની સંખ્યામાં વધારો થયો છે.
જાણીતા ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીનું મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર અકસ્માત થવાથી મૃત્યુ થયા બાદ આ હાઇવે વિશ્વના નકશા પર આવ્યો છે. અકસ્માત બાદ આ હાઇવેની દુર્દશાથી લઈને રસ્તાઓની હાલત, બ્રિજની અયોગ્ય રચના, અતિક્રમણ જેવા અનેક વિષયો પ્રકાશમાં આવ્યા હતા અને એ મુદ્દાઓ પર ચર્ચા પણ થઈ હતી. આ ઘટના બાદ નૅશનલ હાઇવે ઑથોરિટીએ અકસ્માતોની વધતી સંખ્યાનાં કારણોની તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે અકસ્માતો વધુ પડતી સ્પીડ અને ટ્રાફિક નિયમોની અવગણનાને કારણે થયા છે. આ વર્ષે અકસ્માતોની સંખ્યામાં થયેલો વધારો દર્શાવે છે કે મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે કેવી રીતે મોતની જાળ બની રહ્યો છે.
સાયરસ મિસ્ત્રીના મૃત્યુ બાદ શરૂઆતમાં વહીવટી તંત્રે સતર્કતા દાખવીને હાઇવે પર કેટલાંક પગલાં લીધાં હતાં. જોકે એ પછી જૈસે થી વૈસી સ્થિતિ જોવા મળે છે. હાઇવે પર વાહનોની સ્પીડ અને નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે અને ટ્રાફિક પોલીસ ઓછા સ્ટાફના અભાવ સાથે ટ્રાફિક જૅમ પર નિયંત્રણ કરવામાં વ્યસ્ત રહે છે.