04 November, 2024 07:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નવસારીમાં આવેલી ખરેરા નદી પર ૧૨૦ મીટર લાંબો બ્રિજ ૨૯ ઑક્ટોબરે તૈયાર થઈ ગયો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મુંબઈ-અમદાવાદ વચ્ચેના બુલેટ ટ્રેનના ડ્રીમ પ્રોજેક્ટમાં મહત્ત્વનો પડાવ પાર કરી લેવામાં આવ્યો છે. નૅશનલ હાઈ સ્પીડ કૉર્પોરેશન લિમિટેડ (NHSRCL)ના અધિકારીના જણાવ્યા મુજબ બુલેટ ટ્રેન ચલાવવા માટે ગુજરાતમાં બનાવવામાં આવી રહેલા નદી પરના ૨૦માંથી ૧૨ બ્રિજનું કામ પૂરું થઈ ગયું છે. નવસારીમાં વહેતી ખરેરા નદી પર ૧૨૦ મીટરની લંબાઈના બારમા બ્રિજનું કામ ૨૯ ઑક્ટોબરે જ પૂરું થયું છે. બુલેટ ટ્રેનના આ પ્રોજેક્ટમાં વાપીથી સુરત વચ્ચે ૯ બ્રિજ બનાવવામાં આવ્યા છે. અત્યાર સુધી ગુજરાતમાં નવસારી, વલસા, ખેડા અને વડોદરા જિલ્લામાં કાવેરી બ્રિજ, પૂર્ણા બ્રિજ, મીંઢોળા બ્રિજ, અંબિકા બ્રિજ, વેંગણિયા બ્રિજ, કોલક બ્રિજ, પાર બ્રિજ, ઔરંગા બ્રિજ, મોહર બ્રિજ, વર્તક બ્રિજ અને ઢાઢર બ્રિજનાં કામ પૂરાં થઈ ગયાં છે.
ઉલ્લેખનીય છે કે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં ગુજરાતમાં ૩૫૨ કિલોમીટર અને મહારાષ્ટ્રના ૧૫૬ કિલોમીટરનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટમાં મુંબઈ, થાણે, વિરાર, બોઇસર, વાપી, બીલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ/નડિયાદ, અમદાવાદ અને સાબરમતી વગેરે ૧૨ સ્ટેશન હશે.