Mumbai Against Dengue: મુંબઈને ડેન્ગ્યુ મુક્ત બનાવવા BMCની નવી પહેલ, શરૂ કરી આ ઍપ

10 September, 2023 03:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

`મુંબઈ અગેઈન્સ્ટ ડેન્ગ્યુ’ (Mumbai Against Dengue) એપ જે હવે એન્ડ્રોઈડ અને આઈઓએસ પર ઉપલબ્ધ છે, તે નાગરિકોને ઘર અને કામના સ્થળે નિવારક પગલાં લેવા માટે પ્રોત્સાહિત કરશે

ફાઇલ તસવીર

શહેરમાં ઝિકા વાયરસના કેસ સહિત મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસોમાં વધારો થતાં બૃહન્મુંબઈ મહાનગર પાલિકા (BMC)એ ઇન્ડોર બ્રીડિંગ સાઇટ્સ વિશે જાગૃતિ લાવવા માટે એક એપ્લિકેશન શરૂ કરી છે. ‘મુંબઈ અગેઈન્સ્ટ ડેન્ગ્યુ’ (Mumbai Against Dengue) એપ જે હવે એન્ડ્રોઈડ અને આઈઓએસ પર ઉપલબ્ધ છે, તે નાગરિકોને ઘર અને કામના સ્થળે નિવારક પગલાં લેવા માટે પ્રોત્સાહિત કરશે.

અહેવાલો અનુસાર, ગયા મહિના જુલાઈની સરખામણીએ ઑગસ્ટમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસોમાં થોડો વધારો થયો છે. સપ્ટેમ્બરમાં પણ ડેન્ગ્યુના ઘણા કેસ જોવા મળશે, તેમ ડૉક્ટરોએ જણાવ્યું હતું.

ઑગસ્ટમાં મેલેરિયાના કેસોમાં લગભગ 50 ટકા જેટલો વધારો થયો હતો અને ડેન્ગ્યુના કેસોમાં જુલાઈની સરખામણીમાં 46 ટકાથી વધુનો વધારો થયો હતો. ઑગસ્ટ મહિના દરમિયાન પડેલા તૂટક-તૂટક વરસાદને કારણે આમ થયું હોવાનું BMC અધિકારિઓનું માનવું છે. શહેરમાં ઑગસ્ટમાં મેલેરિયાના 1,080 કેસો નોંધાયા હતા, જે જુલાઈમાં 721 કેસ અને જૂનમાં 676 કેસ કરતાં નોંધપાત્ર વધારો સૂચવે છે.

વધુમાં ડેન્ગ્યુના કેસો લગભગ 1,000 (999) સુધી પહોંચી ગયા છે, જે જુલાઈમાં 685 કેસ અને જૂનમાં 353 કેસ હતા. ચિકનગુનિયા જે એડીસ એજિપ્ટી મચ્છરો દ્વારા થતો અન્ય રોગ છે, તેનો આંક પણ 27થી 35 પહોંચી ગયો હતો.

આ વધારો છૂટાછવાયા વરસાદને આભારી હોઈ શકે છે, જે એડીસ મચ્છરો માટે અનુકૂળ સંવર્ધન પરિસ્થિતિઓ બનાવે છે, જે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના સંક્રમણ માટે જવાબદાર છે. વધુમાં વર્ષ 2023માં BMC દવાખાનાઓ, BMC હૉસ્પિટલો, HBT ક્લિનિક્સ, વધારાની ખાનગી લેબ્સ અને ખાનગી હૉસ્પિટલોનો સમાવેશ કરીને રિપોર્ટિંગ યુનિટના 22થી 880 સુધી વિસ્તરણને કારણે નોંધાયેલા કેસોમાં વધારો થયો છે. એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

મહાનગર પાલિકાએ 18 લાખ ઘરની તપાસ હાથ ધરી હતી અને 26,132 એડીસ મચ્છર ઉત્પત્તિના સ્થળો મળી આવ્યા હતા. તેવી જ રીતે મેલેરિયા માટે તેમણે લગભગ 4,000 સંવર્ધન સ્થળો શોધવા માટે 31,634 ઘરનું નિરીક્ષણ કર્યું હતું.

જુલાઈ 2023 સુધીમાં પરિસરની જાળવણી કરવામાં નિષ્ફળ રહેવા બદલ રહેવાસીઓને 11,174 જેટલી નોટિસ આપવામાં આવી હતી. 554 બિન-અનુપાલન કરતી સંસ્થાઓ સામે કોર્ટ કેસ દાખલ કરવામાં આવ્યા હતા, જેના પરિણામે 10,16,500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો.

દરમિયાન, મુંબઈમાં અત્યાર સુધીમાં ઝિકા વાયરસના બે કેસ મળી આવ્યા છે. તેથી, મચ્છરોના સંવર્ધનને રોકવા BMCએ પાણીની ટાંકીઓ અને કન્ટેનર માટે ઢાંકણાની ખાતરી કરવા અને પાણી એકત્ર કરી શકે તેવી બિનઉપયોગી વસ્તુઓનો નિયમિત નિકાલ કરવા, તેમ જ સાપ્તાહિક ડ્રાય ડે રૂટિન અમલમાં મૂકવા અને પ્લાન્ટ પ્લેટોનું નિરીક્ષણ કરવા સહિત અનેક પગલાં સૂચિબદ્ધ કર્યા છે. તમામ સોસાયટીઓ તેમ જ કૉમર્શિયલ કોમ્પ્લેક્સને તેમના પરિસરમાં મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા માટે જરૂરી સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.

malaria dengue brihanmumbai municipal corporation mumbai mumbai news