મુંબઈ સેન્ટ્રલ બાદ AC લોકલો સીધી ચર્ચગેટ જઈને ઊભી રહી

26 October, 2024 09:01 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

શુક્રવારે અનેક પ્રવાસીઓની ફરિયાદ, રેલવે કહે છે કે અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું

પ્રતીકાત્મક તસવીર

વેસ્ટર્ન રેલવેના કેટલાક પ્રવાસીઓએ ગઈ કાલે ફરિયાદ કરી હતી કે બોરીવલી-ચર્ચગેટ ઍર-કન્ડિશન્ડ (AC) લોકલ ટ્રેનો શુક્રવારે મુંબઈ સેન્ટ્રલ અને ચર્ચગેટ વચ્ચેનાં સ્ટેશનો પર એમનાં નિયમિત સ્ટેશનો પર ઊભી રહી નહોતી. જોકે આ મુદ્દે વેસ્ટર્ન રેલવેના પ્રવક્તાએ કહ્યું હતું કે આ મુદ્દે પ્રોટોકૉલ મુજબ જાહેરાતો કરવામાં આવી હતી.

આ મુદ્દે પ્રવાસી રાજીવ સિંઘલે કહ્યું હતું કે ‘હું ૧.૫૪ વાગ્યાની બોરીવલી-ચર્ચગેટ AC લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતો હતો અને મારે મરીન લાઇન્સ ઊતરવાનું હતું. આ મારી રોજની ટ્રેન છે અને એ મુંબઈ સેન્ટ્રલથી ચર્ચગેટ સુધી બધાં સ્ટેશનો પર ઊભી રહે છે. જોકે શુક્રવારે મુંબઈ સેન્ટ્રલથી ઊપડીને એ સીધી ચર્ચગેટ સ્ટેશન પર ઊભી રહી હતી. વચ્ચેનાં ગ્રાન્ટ રોડ, ચર્ની રોડ અને મરીન લાઇન્સ સ્ટેશન પર એ ઊભી રહી નહોતી. આ મુદ્દે કોઈ જાહેરાત કે અનાઉન્સમેન્ટ થઈ નહોતી. હું મોટરમૅનને મળવા ગયો અને ટ્રેન-મૅનેજર બબ્બનકુમાર સાથે મારે વાત થઈ. તેમણે મને કહ્યું કે આ બાબતે મેં મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પર જાહેરાત કરી હતી. મેં કહ્યું કે ટ્રેનમાં કોઈ અનાઉન્સમેન્ટ થઈ નહોતી. એ પછી મેં સિનિયર ઑપરેશન્સ મૅનેજરને પણ ફરિયાદ કરી. તેમણે પણ મને જણાવ્યું કે મને આ બાબતની જાણ નથી.’

આ મુદ્દે વેસ્ટર્ન રેલવેના ડિવિઝનલ અધિકારીએ કહ્યું હતું કે ‘ટ્રેનોમાં ક્યારેક ટેક્નિકલ ખામી ઊભી થઈ રહી છે, પણ ટ્રેન-મૅનેજરે પ્રૉપર અનાઉન્સમેન્ટ ત્રણ ભાષામાં કરી હતી. રેલ યાત્રી ઍપ પર પણ આની જાણકારી અપાઈ હતી.’

mumbai news mumbai AC Local mumbai trains churchgate mumbai central