28 December, 2024 11:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે થાણેના માજીવાડામાં થયેલું બ્રેકડાઉન
બે દિવસ પહેલાં જ કોસ્ટલ રોડ પર બ્રીચ કૅન્ડી પાસે એક લમ્બોર્ગિની સળગી ઊઠી હતી. એ જ પ્રમાણે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર પણ થોડા વખત પહેલાં એક BMW સળગી ગઈ હતી. આમ કાર અને અન્ય વાહનો સળગી ઊઠવાની ઘટનાઓ વધુ ને વધુ બની રહી છે. આ ઉપરાંત રોજેરોજ રસ્તાઓ પર વાહનો ટેક્નિકલ ફૉલ્ટ આવવાને કારણે ખોટકાઈ જવાથી અથવા માનવીય ભૂલને કારણે ઊભાં રહી જતાં હોય છે એને કારણે એની પાછળનાં વાહનો ટ્રાફિક-જૅમમાં ફસાઈ જાય છે. બગડેલું વાહન જ્યાં સુધી ત્યાંથી હટાવવામાં નથી આવતું ત્યાં સુધી ત્યાં ટ્રાફિક-જૅમ થઈ જાય છે. એેમાં પણ જો આવી ઘટના પીક-અવર્સમાં થઈ હોય તો અનેક લોકોનો સમય અને ઈંધણ બન્નેનો વેડફાટ થાય છે. આ વર્ષે મુંબઈમાં નવેમ્બર સુધીમાં આવી રીતે રસ્તા વચ્ચે ગાડીઓ બ્રેકડાઉન થવાની કુલ ૮૩૯ ઘટનાઓ બની હતી. એમાં ૨૪૦ કાર, ૧૪૨ ટેમ્પો અને ૧૩૧ બેસ્ટની બસનો સમાવેશ છે. અન્ય વાહનોમાં ઇલેક્ટ્રિક વાહન, ટ્રક, ડમ્પર, સિમેન્ટ મિક્સર જેવાં વાહનો હતાં.
ઇલેક્ટ્રિક બસ અને હાઈ-એન્ડ લક્ઝરી વાહનો, હાઈ-એન્ડ કાર ખોટકાઈને રસ્તા પર ઊભાં રહી જાય છે ત્યારે એમને હટાવવા માટે સ્પેશ્યલ ટ્રેઇન્ડ સ્ટાફની જરૂર પડે છે. એ લોકો આવે અને વાહન હટાવે ત્યાં સુધીમાં ખાસ્સો સમય નીકળી જતો હોય છે. હાઈ-એન્ડ કારમાં જો જરાક પણ ટક્કર લાગે તો તરત જ ઍર-બૅગ્સ બહાર નીકળી આવે છે અને વ્હીલ જૅમ થઈ જાય છે એટલે એ પછી વાહનની જે મૅન્યુફૅક્ચરિંગ કંપની હોય એના ટ્રેઇન્ડ સ્ટાફને જ બોલાવવો પડે છે, સામાન્ય ટોઇંગ વૅનથી એને હટાવવું મુશ્કેલ બની રહે છે.