સ્કૂલના મિત્રે ઇન્સ્ટાગ્રામ પર ફોટો વાઇરલ કરતાં ૧૪ વર્ષની ટીનેજરે કરી આત્મહત્યા

23 November, 2023 12:54 PM IST  |  Mumbai | Mehul Jethva

પનવેલ પોલીસે તેના જ ક્લાસમાં ભણતા બે કિશોરો સામે સુસાઇડ માટે પ્રેરિત કરવાની કલમો હેઠળ ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી

પ્રતીકાત્મક તસવીર

પનવેલની એક સ્કૂલમાં નવમા ધોરણમાં ભણતી ૧૪ વર્ષની કિશોરીનો સ્કૂલના બીજા સ્ટુડન્ટે ઇમોજીવાળો ફોટો પાડીને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને વાઇરલ કર્યો હતો. એની માહિતી કિશોરીને મળતાં તે ડિપ્રેશનમાં આવી ગઈ હતી. અંતે તેણે ઘરમાં આ જ કારણસર આત્મહત્યા કરી હતી. ત્યાર બાદ પનવેલ પોલીસે એ જ ક્લાસમાં ભણતા બે કિશોરો સામે આત્મહત્યા કરવા માટે પ્રેરિત કરવાની કલમો હેઠળ ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.

પનવેલના સેક્ટર બેમાં કરંજડે સેન્ટ નજીક સદગુરુ બિલ્ડિંગમાં રહેતી અને કામોઠે વિસ્તારમાં એમએનઆર સ્કૂલમાં નવમા ધોરણમાં અભ્યાસ કરતી અનુષ્કા અનિલ બોબડેએ પહેલી નવેમ્બરે સ્કૂલમાંથી આવ્યા પછી ઘરની ગૅલરીની ગ્રિલમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. તેની માતા માધવી કાતરની મદદથી દોરી કાપીને રિક્ષામાં તેને તબીબી સારવાર માટે એમજીએમ હૉસ્પિટલમાં લઈ ગઈ હતી. ત્યાંના ડૉક્ટરે તેને તપાસીને મૃત જાહેર કરી હતી. ત્યાર બાદ પનવેલ પોલીસે એડીઆર નોંધીને તપાસ શરૂ કરી હતી. વધુ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે અનુષ્કાનો તેના જ ક્લાસમેટ દ્વારા ઇન્સ્ટા આઇડી પર ક્લાસમાં બેન્ચ પર બેસીને તેની પીઠને સ્પર્શ કરતો એક ફોટો વાઇરલ કરવામાં આવ્યો હતો. ફોટોમાં કેટલાક વાંધાજનક શબ્દો પણ લખવામાં આવ્યા હતા. ફોટો નાખનાર ક્લાસમેટને ફોટો પ્રસારિત કરવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે એ કબૂલ્યું હતું અને કહ્યું હતું કે અનુષ્કા તેની સાથે વાત કરતી નહોતી એટલે તેણે ફોટો લીધા બાદ બદનામ કરવાના ઇરાદાથી એને વાઇરલ કર્યો હતો. એ પછી પનવેલ પોલીસે આત્મહત્યા કરનાર કિશોરીના ક્લાસમાં ભણતા ૧૪ વર્ષના બે કિશોરો સામે આઇટી ઍક્ટ સહિત આત્મહત્યા માટે પ્રેરિત કરવાની કલમ હેઠળ ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

પનવેલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે આ ઘટનાની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. આ કેસમાં બંને આરોપીઓ ૧૪ વર્ષના હોવાથી તેમની ધરપકડ કરવામાં આવી નથી. સિનિયર અધિકારીઓ દ્વારા આ કેસમાં તપાસ કરવામાં આવી રહી છે.’

suicide panvel mumbai police mumbai mumbai news mehul jethva