પતિ સાથે ઝઘડો થયો તો મહિલા ગુસ્સામાં ૧૦ મહિનાના બાળકને LTTના ગેટ પાસે મૂકીને જતી રહી

18 October, 2024 01:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બે કલાક સુધી બાળક રડતું રહ્યું, રેલવે પોલીસે સિટી પોલીસ સાથે મળીને મહિલાનો પત્તો મેળવ્યો

પ્રતીકાત્મક તસવીર

લોકમાન્ય તિલક ટર્મિનસ (LTT)ના ગેટ પાસે બુધવારે બપોરે ૧૦ મહિનાના બાળકને ત્યજીને જનાર મહિલા સામે કુર્લા ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)એ ફરિયાદ નોંધી હતી. LTTના ગેટ નજીકથી પસાર થતા એક પૅસેન્જરને બાળક રડતું જોવા મળ્યું હતું. ત્યાર પછી કલાકો સુધી બાળકનાં માતા-પિતાની આસપાસના વિસ્તારમાં શોધ લેતાં એ વિશે કોઈ ભાળ લાગી નહોતી. અંતે રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) ટીમની મદદથી સ્ટેશન વિસ્તારના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ તપાસીને મહિલાનો પત્તો લગાડવામાં આવ્યો હતો.

પતિ સાથે થયેલા ઝઘડામાં મહિલા પોતાના ૧૦ મહિનાના બાળકને સ્ટેશનની બહાર મૂકી ગઈ હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું હતું એમ જણાવતાં કુર્લા GRPના સિનિયર ઇન્સ્પેક્ટર સંભાજી યાદવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બુધવારે સાંજે સાડાપાંચ વાગ્યાની આસપાસ અમને બાળક વિશેની માહિતી મળી એટલે તાત્કાલિક અમારી ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. એ પછી પૅસેન્જરો સાથે મળી LTT અને કુર્લા બન્ને રેલવે-સ્ટેશનો પર બાળકનાં મા-બાપને શોધવામાં આવ્યાં હતાં. જોકે એમાં કશું જ અમારા હાથે લાગ્યું નહોતું. એક તરફ બાળક જોરજોરથી રડી રહ્યું હતું એટલે અમે મહિલા કૉન્સ્ટેબલને તેને શાંત કરવા માટેની ડ્યુટી પર લગાડી દીધી હતી. એ પછી RPF સાથે મળીને રેલવે-સ્ટેશન વિસ્તારના CCTV કૅમેરાનાં ફુટેજ ચેક કરતાં બાળકને ચાર વાગ્યે સ્ટેશનની બહાર છોડવામાં આવ્યું હોવાનું પ્રકાશમાં આવ્યું હતું એટલું જ નહીં, જ્યારે તેને છોડવામાં આવ્યું ત્યારથી તે રડી રહ્યું હોવાનું સામે આવ્યું હતું. CCTV કૅમેરાનાં ફુટેજના આધારે અમે LTT સ્ટેશનની બહારનો વિસ્તાર તપાસ્યો હતો. મહિલા જે દિશામાં પાછી ગઈ હતી એ વિસ્તારને અમે ફૉલો કર્યો હતો ત્યારે એક કૅમેરામાં મહિલા સાબળેનગરના સ્લમ તરફ જતી જોવા મળી હતી. એ પછી ફુટેજમાંથી મળેલા મહિલાના ફોટો સાથે વધુ તપાસ હાથ ધરતાં મહિલાનો પત્તો મળ્યો હતો. અંતે અમે વધુ તપાસ કરી બાળકની માતાને શોધી કાઢી હતી જેણે બાળક છોડવા પાછળનું કારણ એવું જણાવ્યું હતું કે તેના પતિ સાથે તેનો ઝઘડો થયો હતો અને એ ગુસ્સામાં તેણે બાળકને મૂકી દીધું હતું.’

kurla lokmanya tilak terminus indian railways central railway mumbai railways railway protection force mumbai mumbai news