01 October, 2024 03:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વીરેનભાઈએ દિવ્યાબહેનને તેમનું પર્સ સોંપ્યું હતું.
મુલુંડ-વેસ્ટમાં પાંચ રસ્તા નજીક રસ્તા પરથી મળેલા મહિલાના પર્સને રિયલ એસ્ટેટ વેપારી વીરેન દેસાઈએ સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરીને દિવ્યા સોની સુધી પહોંચાડ્યું હતું. શનિવારે દિવ્યાબહેન પાંચ રસ્તા નજીક અંગત કામ માટે આવ્યાં ત્યારે તેમનું પર્સ રસ્તા પર પડી ગયું હતું જેમાં ૧૮૦૦ રૂપિયા રોકડા, સ્કૂટરની ચાવી ઉપરાંત તેમના કેટલાક જરૂરી દસ્તાવેજ હતા. વીરેનભાઈએ કરેલી આ પોસ્ટ સોશ્યલ મીડિયા પર જબરદસ્ત વાઇરલ થઈ હતી જેના પરિણામે દિવ્યાબહેનના પતિએ આ પોસ્ટ જોતાં રવિવારે સાંજે આ પર્સ પાછું મેળવી લીધું હતું.
પોલીસની મગજમારીમાં ન પડવા ઉપરાંત પોલીસ પાસેથી આ પર્સ પાછું મેળવવા મહિલાને કેટલીયે કાયદાકીય પ્રોસીજર ફૉલો કરવી પડશે જે તેમને માટે અઘરી બની શકે છે એમ વિચારીને મેં આ પર્સ મૂળ માલિક સુધી પહોંચાડવા માટે સોશ્યલ મીડિયા પર દિવ્યાબહેનના પૅન કાર્ડનો ફોટો પોસ્ટ કરીને વાઇરલ કર્યો હતો, એમ જણાવતાં વીરેન દેસાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શનિવારે હું મારા સ્કૂટર પર મુલુંડ પાંચ રસ્તા નજીકથી જઈ રહ્યો હતો ત્યારે મેં આ પર્સ અલી સલૂનની બહાર રસ્તા પર પડેલું જોયું હતું. એને ખોલીને જોતાં અંદર પૈસા અને દિવ્યાબહેનના કેટલાક જરૂરી દસ્તાવેજ હતા. આ બધા દસ્તાવેજ પાછા બનાવવા માટે તેમને ભારે જહેમત ઉઠાવવી પડશે એવું વિચારીને મેં આસપાસના વિસ્તારમાં પૃચ્છા કરી હતી, પણ ત્યાં દિવ્યાબહેનની કોઈ ભાળ મને મળી નહોતી એટલે મેં વૉટ્સઍપ અને ફેસબુક પર દિવ્યાબહેનના પૅન કાર્ડ સાથેનો ફોટો મૂકી ‘આ મહિલાને કોઈ ઓળખતું હોય તો મારો સંપર્ક કરે’ એવી પોસ્ટ મૂકી હતી. જો ૨૪ કલાકમાં મને મહિલાની કોઈ માહિતી ન મળી હોત તો હું પોલીસ-સ્ટેશન જઈને પર્સ જમા કરાવી દેત. જોકે એ પહેલાં હું પ્રયાસ કરવા માગતો હતો. આ પોસ્ટ મેં મૂકી ત્યાર બાદ ઘણા લોકોએ પોસ્ટને વાઇરલ કરીને તેમનાં બીજાં ગ્રુપમાં શૅર કરી હતી જેને પરિણામે આ મારી પોસ્ટ રવિવારે સવારે દિવ્યાબહેનના પતિ દીપકના વૉટ્સઍપ સુધી પહોંચી હતી એટલે તેમણે મારો સંપર્ક કર્યો હતો. ત્યાર પછી મેં દિવ્યાબહેન સાથે વાત કરી તેમને તેમનું પર્સ સોંપી દીધું હતું.’