20 August, 2024 08:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અકસ્માતનો ભોગ બનેલી કાર અને મુલુંડનો વિરલ આઇયા
મુલુંડ-વેસ્ટમાં એન. એસ. રોડ પર પુરુષોત્તમ ખેરાજ બિલ્ડિંગમાં રહેતા કચ્છી લોહાણા જ્ઞાતિના ૩૩ વર્ષના વિરલ ઐયાનું ગુજરાતના દ્વારકા પાસે હાઇવે પર હંજિયાખડી ગામ નજીક રવિવારે અકસ્માત થતાં મૃત્યુ થયું હતું, જ્યારે તેની સાથે કારમાં મુસાફરી કરનાર વિનય શાહ અને યુગલ જિન્દલને ગંભીર ઈજા થઈ હતી. દ્વારકા હાઇવે પર પડેલા મોટા ખાડાને કારણે વિરલની કાર આઠ વખત પલટી ખાઈ ગઈ હતી.
ગાંધીધામથી શનિવારે સવારે વિરલ, વિનય અને યુગલ સોમનાથ દર્શન કરવા માટે નીકળ્યા હતા એમ જણાવતાં જામ ખંભાળિયા પોલીસ-સ્ટેશનના તપાસ અધિકારી અસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર હમીર ચાવડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રવિવારે સવારે સોમનાથ મંદિરે દર્શન કર્યા બાદ તેઓ દ્વારકા મંદિર પહોંચ્યા હતા. ત્રણે મિત્રો દર્શન કર્યા બાદ બપોરે ૧ વાગ્યે પાછા ગાંધીધામ જવા માટે નીકળ્યા ત્યારે વિરલ કાર ચલાવી રહ્યો હતો. વિનય ડ્રાઇવર-સીટની બાજુમાં બેઠો હતો અને યુગલ પાછળની સીટ પર બેઠો હતા. દરમ્યાન હંજિયાખડી ગામ નજીક વૈદેશ્વર આશ્રમ પાસે હાઇવે પર પડેલા મોટા ખાડામાં વિરલનો કારના સ્ટિયરિંગ પરથી કન્ટ્રોલ જતાં કાર પલટી ખાઈ ગઈ હતી. ત્યાર બાદ ભેગા થયેલા લોકોએ ત્રણેય જણને કારમાંથી બહાર કાઢીને ઍમ્બ્યુલન્સમાં જનરલ હૉસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં યુગલ અને વિરલને હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી, પણ ડૉક્ટરોએ વિરલને મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો. અકસ્માત વખતે વિરલ કાર ડ્રાઇવ કરતો હોવાથી અમે તેની સામે ફરિયાદ નોંધી છે.’
ખાડાને કારણે વિરલની કાર આઠ વખત પલટી ખાઈ ગઈ હોવાથી ખાડાએ જ મારા ભાઈનો જીવ લીધો છે, એટલું જ નહીં, અકસ્માત બાદ મારો ભાઈ દોઢ કલાક સુધી રોડ પર પડ્યો રહ્યો હતો એમ જણાવતાં વિરલના મોટા ભાઈ ધવલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રવિવારે જ્યારે આ ઘટના બની એની ૧૫ મિનિટ પહેલાં તેની મારી સાથે વાત થઈ હતી. દ્વારકાધીશનાં દર્શન કરીને તે ખૂબ ખુશ હતો. મને ઘટનાની માહિતી મળતાં મેં ત્યાંના સ્થાનિક પ્રશાસનને મારા ભાઈની તબિયત જણાવવા માટે ઘણી કોશિશ કરી, પણ કોઈ માહિતી નહોતી મળી શકી. છેવટે મેં મારા એક સંબંધીને અકસ્માતના સ્થળે મોકલાવ્યો હતો. તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે વિરલના મિત્રોને ઍમ્બ્યુલન્સમાં હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પણ વિરલ મૃત્યુ પામ્યો હોવાથી તેને ત્યાં જ છોડી દેવાયો હતો એટલે મારા સંબંધી છકડા રિક્ષામાં વિરલને હૉસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં પણ ડૉક્ટરોની હડતાળ હોવાથી અમને બધી વિધિ પૂરી કરવામાં બહુ સમય લાગ્યો હતો. ગઈ કાલે અમે તેની અંતિમક્રિયા કરી હતી.’
આ મામલે જામ ખંભાળિયા પોલીસે ઈજા પામનાર વિનયની પૂછપરછ કર્યા બાદ મૃત્યુ પામનાર વિરલ સામે ફરિયાદ નોંધી છે.