કારે ટૂ-વ્હીલરને મારેલી ટક્કરમાં મુલુંડના ગુજરાતી હોટેલિયરનો જીવ ગયો

28 March, 2025 03:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જિતેન્દ્ર સોનેતાને અડફેટે લઈને નાસી ગયેલા કાર-ડ્રાઇવરની શોધખોળ શરૂ કરી પોલીસે

મુલુંડના હોટેલિયર જિતેન્દ્ર સોનેતા.

મુલુંડ-વેસ્ટના ભક્તિ માર્ગ પરના બાલકૃષ્ણ અપાર્ટમેન્ટમાં રહેતા અને મુલુંડની રેકડી નામની હોટેલના ૬૩ વર્ષના માલિક જિતેન્દ્ર સોનેતાનું થાણે ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ૨૩ માર્ચે થયેલા અકસ્માત બાદ મંગળવારે મોડી રાતે મૃત્યુ થયું હતું. આ મુદ્દે થાણેના રાબોડી પોલીસે ગઈ કાલે હિટ ઍન્ડ રન કેસની ફરિયાદ નોંધીને જિતેન્દ્રભાઈને અડફેટે લઈ નાસી જનાર કારની શોધખોળ શરૂ કરી છે. જિતેન્દ્રભાઈની ઓચિંતી વિદાય થતાં મુલુંડના કચ્છી લોહાણા સમાજમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.

પપ્પાને અડફેટે લઈ નાસી જનાર કાર-ડ્રાઇવર સામે પોલીસે કડક કાર્યવાહી કરવી જોઈએ એમ જણાવતાં જિતેન્દ્રભાઈના દીકરા ધવલ સોનેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૩ માર્ચે સાંજે ૭ વાગ્યે પપ્પા તેમના મિત્રની નાશિક-થાણે હાઇવે પર આવેલી હોટેલમાં મળવા ગયા હતા. મિત્રને મળ્યા બાદ રાતે સવાનવ વાગ્યે તેઓ ઍક્ટિવા પર ઘરે પાછા આવી રહ્યા હતા ત્યારે હાઇવે પર કૅડબરી બ્રિજ નજીક પાછળથી પૂરપાટ દોડતી કારે ટક્કર મારી હતી જેમાં પપ્પાનો સ્કૂટર પરથી કન્ટ્રોલ જતાં તેઓ રોડ પર પટકાયા હતા. તેમને માથામાંથી લોહી વહેતું જોઈને લોકોએ તેમને તરત ન્યુરો ટ્રૉમા હૉસ્પિટલમાં ઍડ્‍મિટ કર્યા હતા. એ પછી ઘટનાની જાણ થતાં હું તાત્કાલિક હૉસ્પિટલ પહોંચ્યો હતો. ડૉક્ટરે મને કહ્યું કે તેમના માથામાં ગંભીર ઈજા થઈ છે એટલે હું પપ્પાને જ્યુપિટર હૉસ્પિટલ લઈ ગયો હતો. ત્યાં પપ્પાના માથામાં ઑપરેશન થયું હતું, પરંતુ સારવાર દરમ્યાન ૨૫ માર્ચે મોડી રાતે પપ્પાનું મૃત્યુ થયું હતું. પપ્પાના અકસ્માતના ખબર જાણ્યા પછી અમે તૂટી ગયા છીએ. આ અકસ્માત પાછળ જેકોઈ જવાબદાર હોય તેની સામે પોલીસે કડક કાર્યવાહી કરવી જોઈએ, કારણ કે પપ્પાને હૉસ્પિટલ ન લઈ જતાં કારચાલક ત્યાંથી નાસી ગયો હતો. જો પપ્પાને યોગ્ય સમયે યોગ્ય સારવાર મળી જાત તો આજે પપ્પા અમારી વચ્ચે હોત.’

mulund road accident thane mumbai mumbai news news highway mumbai police crime news mumbai crime news