મમ્મી પર હાથ ઉપાડનાર દીકરા અને તેની વાઇફનો હવે પોલીસ કરશે ઇલાજ

23 May, 2023 08:12 AM IST  |  Mumbai | Mehul Jethva

મુલુંડના હાઇરાઇઝમાં રહેતાં ૬૮ વર્ષનાં ગુજરાતી મહિલાએ પોતાની મારપીટ કરી અપશબ્દ બોલનાર દીકરા અને તેની વાઇફ સામે કોર્ટમાં જવું પડ્યું અને અદાલતે કૌટુંબિક હિંસા સાથેની કલમ હેઠળ તેમની ફરિયાદ નોંધવાનો પોલીસને આદેશ આપ્યો

કમલ ઠક્કર, નલિની મહેન્દ્ર ઠક્કર

મુલુંડના એક હાઇરાઇઝ ટાવરમાં રહેતાં ૬૮ વર્ષનાં ગુજરાતી મહિલાને તેના પુત્રએ તમામ પ્રૉપર્ટી પોતાના અને પત્નીના નામે કરવા માટે ફોર્સ કર્યો હતો, પરંતુ મહિલાએ એનો વિરોધ કરતાં પુત્ર અને પુત્રવધૂએ એ ગુજરાતી મહિલાને માર માર્યો તેમ જ અપશબ્દો બોલ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. પાંચ વર્ષ સુધી આ બધું સહન કર્યા બાદ અંતે આ મહિલાએ પોતાની સાથે થયેલી ઘટના કોર્ટ સામે રાખી હતી. ત્યાર બાદ કોર્ટે મુલુંડ પોલીસને પુત્ર અને પુત્રવધૂ સામે કૌટુંબિક હિંસા સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધ કરવાનો આદેશ આપ્યા બાદ પોલીસે ફરિયાદ નોંધ કરી છે.

મુલુંડ-વેસ્ટ એલ. બી. એસ. રોડ પર નિર્મલ ગૅલેક્સી ટાવરમાં ૧૫૦૨ નંબરના ફ્લૅટમાં રહેતાં ૬૮ વર્ષનાં નલિની મહેન્દ્ર ઠક્કરે કરેલી ફરિયાદ અનુસાર ૨૦૧૩માં પતિ મહેન્દ્ર અને તેમણે નિર્મલ ગૅલેક્સી ટાવરમાં ૧૫૦૧-૧૫૦૨ ફ્લૅટની ખરીદી કરી હતી અને ૨૦૧૫માં તેઓ અહીં રહેવા માટે આવ્યાં હતાં. ૨૧ નવેમ્બર ૨૦૧૭માં પુત્ર કમલ ઠક્કરનાં લગ્ન સોનાલી શાહ સાથે થયાં હતાં. દરમ્યાન ૨૪ જાન્યુઆરી ૨૦૧૮માં પતિ મહેન્દ્રનું માંદગીને કારણે અવસાન થયું હતું. ત્યાર બાદ પુત્ર કમલે તેમની મિલકત તેના અને તેની પત્ની સોનાલીના નામે ટ્રાન્સફર કરવા માટે કહ્યું હતું. જોકે પ્રૉપર્ટી પર તેમની બે દીકરીઓનો પણ હક હોવાથી નલિનીબહેને તમામ મિલકત ટ્રાન્સફર કરવાનો વિરોધ કર્યો હતો. આથી કમલ રોજ અપશબ્દો બોલવાની સાથે તેમને મારતો અને ધમકાવતો હોવાની ફરિયાદ નલિની ઠક્કરે કરી છે. કમલ પોતાનો દીકરો હોવાથી ફરિયાદી તેની બધી તકલીફો સહન કરતી હતી, પણ કમલના વર્તનમાં કોઈ ફરક પડ્યો નહોતો. કમલ અને સોનાલીએ ફરિયાદીની પુત્રી હેતલ અને હિનલને તેમને મળવા ન આવવાનું કહ્યું હતું. કમલ અને પત્ની સોનાલીનો શારીરિક અને માનસિક ત્રાસ સતત વધતો હોવાથી તેમણે કોર્ટમાં અરજી કરી હતી. ત્યાર બાદ કોર્ટે પુત્ર કમલ અને તેની પત્ની સોનાલી સામે ઘરેલુ હિંસા અધિનિયમ ૨૦૦૫ના પ્રોટેક્શન ઑફ વિમેન ફ્રૉમ વુમનની કલમ ૩૧ હેઠળ કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો, જેને આધારે પોલીસે બન્ને સામે એફઆઇઆર નોંધ કરી છે.

નલિની ઠક્કરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે મારા પુત્રએ મને કેટલીક વાર માર માર્યો હતો સાથે તેની પત્નીએ પણ મને માર માર્યો હતો. શરૂઆતમાં બધું સહન કર્યું હતું, પણ દિવસે-દિવસે એ વધતું હોવાથી મેં અનેક પોલીસ-ફરિયાદો કરી હતી. જોકે પહેલાં પોલીસ તરફથી મને કોઈ મદદ મળી નહોતી. અંતે મેં કોર્ટ સામે મારી ફરિયાદની રજૂઆત કરતાં કોર્ટે પોલીસને મારી ફરિયાદ સામે એફઆઇઆર નોંધ કરવાનો આદેશ આપ્યો હતો.’

મુલુંડ પોલીસ સ્ટેશનનાં તપાસ અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર રૂપાલી કરંકડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘટનાની ફરિયાદ અમે નોંધ કરી તપાસ હાથ ધરી છે. આ કેસમાં આરોપીની હાલ ધરપકડ કરવામાં આવી નથી.’
 

mumbai mumbai news mulund mumbai police mehul jethva