02 May, 2024 09:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાહ નિવાસ બિલ્ડિંગના ભાડૂતોએ ગઈ કાલે ધરણાં કર્યાં હતા
મુલુંડ-વેસ્ટના ઝવેર રોડ પર આવેલા પાઘડીવાળા બિલ્ડિંગ શાહ નિવાસને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ જર્જરિત જાહેર કરીને ઑગસ્ટ ૨૦૨૨માં એનું ડિમોલિશન કર્યું હતું. ૨૦ મહિના વીતી ગયા પછી પણ અહીં ૪૩ ઘરોમાં રહેતા ૨૦૦ જણે પોતાના હકનાં ઘર ન મળતાં ગઈ કાલે સવારે BMCની વિરુદ્ધ શાહ નિવાસના ખાલી પ્લૉટ પર ધરણાં કર્યાં હતાં. તેમણે માગણી કરી હતી કે BMCએ અમારાં ઘર તોડ્યાં છે તો હવે BMC જ અમને અમારાં ઘર પાછાં બનાવી આપે, જો BMC એમ કરવામાં નિષ્ફળ જશે તો આ
લોકસભાના ઇલેક્શનમાં અમે વોટિંગનો બહિષ્કાર કરીશું.
છેલ્લા ૨૦ મહિનાથી અમે બધા બેઘર થઈ ગયા છીએ, પોતાનું ઘર હોવા છતાં અમારે પોતાના ખર્ચે ભાડા પર રહેવાનો વારો આવ્યો છે એમ જણાવતાં શાહ નિવાસ બિલ્ડિંગના રહેવાસી પંકજ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૦૧૬માં ટેક્નિકલ ઍડ્વાઇઝર કમિટીએ અમારું બિલ્ડિંગ જર્જરિત જાહેર કર્યા બાદ BMCએ ઑગસ્ટ ૨૦૨૨માં બિલ્ડિંગ ડિમોલિશ કર્યું હતું અને ત્યારથી અમે ૪૩ ભાડૂતો બેઘર બની ગયા છીએ. અમારું બિલ્ડિંગ એક ડેવલપરે રીડેવલપમેન્ટ માટે લીધું હોવાની જાણ થતાં અમે તેમની પાસે પૂછપરછ કરવા ગયા હતા, પણ તેમણે અમને કોઈ રીતે સહકાર નહોતો આપ્યો. અમારા ૪૦ ટકા જેટલા ભાડૂતો તો સિનિયર સિટિઝન છે. એટલું જ નહીં, અમુક તો હૅન્ડિકૅપ્ડ છે. છેલ્લા ૨૦ મહિનાથી અમે બધા પરેશાન થઈ ગયા છીએ.’
BMCએ જે પાવરથી અમારું બિલ્ડિંગ ડિમોલિશ કર્યું હતું એ જ પાવર અમારા માટે વાપરીને અમને અમારાં હકનાં ઘર પાછાં અપાવે એમ જણાવતાં પંકજ શાહે ઉમેર્યું હતું કે ‘BMC પાસે અમારી માગણી છે કે તેઓ અમને અમારી જ જગ્યાએ રહેવા માટે ટ્રાન્ઝિટ કૅમ્પ બનાવી આપે. જો તેઓ આ દિશામાં કોઈ પગલું નહીં ભરે તો બિલ્ડિંગના અમારા ૨૦૦ મેમ્બરો લોકસભાના ઇલેક્શનમાં મતદાનનો બહિષ્કાર કરશે.’