22 November, 2023 01:00 PM IST | Mumbai | Mehul Jethva
ફાઇલ તસવીર
મુલુંડ મેટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટ કોર્ટના ન્યાયાધીશ પી. કે. રાઉતનું લાંબી બીમારી બાદ ૧૨ ઑક્ટોબરે મૃત્યુ થયું હતું. એ પછી ૨૭ નંબરની મેટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટ કોર્ટમાં કોઈ ન્યાયાધીશ ન હોવાથી મુલુંડ કોર્ટની તમામ કામગીરી બાજુમાં એટલે કે ૫૩ નંબરની મેટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટ કોર્ટ (ભાંડુપ, કાંજુરમાર્ગ)ના ન્યાય ક્ષેત્રમાં શિફ્ટ કરવામાં આવી હતી. જોકે એક કોર્ટ બંધ હોવાથી તમામ પ્રેશર બીજી કોર્ટ પર આવવાની શરૂઆત થઈ હતી. દિવાળીની રજા બાદ ૫૩ નંબરની મેટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટ કોર્ટના ન્યાયાધીશ પણ રજા પર હોવાથી હાલમાં એવી પરિસ્થિતિ છે કે બન્ને વિભાગનાં કોઈ પણ કામ હોય તો છેક વિક્રોલી કોર્ટમાં જવાની ફરજ પડે છે. એ સાથે આવા કિસ્સામાં કેસમાં અટવાયેલા આરોપી અને પોલીસ વિભાગને ભારે જહેમત ઉઠાવવી પડે છે.
મુલુંડ ન્યાય ક્ષેત્ર માટે ૨૭ નંબરની મેટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટ કોર્ટની સ્થાપના કરવામાં આવી છે. જોકે અહીંના ન્યાયાધીશ પી. કે. રાઉત બીમારીને કારણે છેલ્લા કેટલાક વખતથી અવારનવાર રજા પર રહેતા હતા. કેટલાક કિસ્સામાં તેમણે હૉસ્પિટલના બેડ પરથી જજમેન્ટ આપ્યાં છે. જોકે અંતે ૧૨ ઑક્ટોબરે તેમનું મૃત્યુ થયું હતું. ત્યાર બાદ ૨૭ નંબરની મેટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટ કોર્ટનું તમામ કામ કોર્ટ નંબર ૫૩ને સોંપવામાં આવ્યું હતું. આશરે ચાર પોલીસ સ્ટેશન વચ્ચે માત્ર એક જ કોર્ટ હોવાથી તમામ ન્યાયિક પ્રક્રિયામાં વિલંબ થવાની સાથે મોટો ભાર ૫૩ નંબરની મેટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટ કોર્ટ પર આવતો દેખાયો હતો. દિવાળીની આશરે ૧૫ દિવસની રજામાં પોલીસ અને ન્યાયપ્રક્રિયામાં અટવાયેલા લોકોનું કામ હૉલિડે કોર્ટમાં થયું હતું. જોકે હાલમાં દિવાળી પછી પણ ૫૩ નંબર કોર્ટના જજ રજા પર હોવાથી તમામ કામગીરી વિક્રોલી કોર્ટમાં કરવામાં આવે છે. એટલે કે જો કોઈ વ્યક્તિની ભાંડુપ કે મુલુંડ ન્યાય ક્ષેત્રમાં ધરપકડ કરવામાં આવી હોય તો તેને પીસી અથવા જેસી માટે વિક્રોલી જવું પડે છે. એટલું જ નહીં, જામીન માટે પણ આરોપીને છેક વિક્રોલી કોર્ટમાં અપીલ કરવાની ફરજ પડે છે.
મુલુંડ વિભાગના એક સિનિયર પોલીસ અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘છેલ્લા દોઢ મહિનાથી મુલુંડ ન્યાય ક્ષેત્રના કોર્ટનું કામ બાજુની કોર્ટને સોંપવામાં આવ્યું છે, જેને લીધે અમારા અધિકારીને કેટલીયે વાર ઘણી રાહ જોવી પડતી હતી. હાલમાં તો બાજુની એટલે કે ૫૩ નંબરની કોર્ટ પણ બંધ હોવાથી ધરપકડ કરેલા આરોપીની પોલીસ-કસ્ટડી લેવા માટે અથવા આરોપીની જેલ-કસ્ટડી, વૉરન્ટ લેવા અને આરોપીને જામીન માટે છેક વિક્રોલી કોર્ટમાં જવું પડે છે. એને લીધે અમારા અધિકારીને મોટી પરેશાની થઈ રહી હોવાના સૂર સામે આવ્યા છે.’
મુલુંડના ઍડ્વોકેટ હર્ષદ દેસાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુલુંડની કોર્ટ ન્યાયાધીશના મૃત્યુ પછી બંધ છે એટલે એમાં જલદી બીજા ન્યાયાધીશને બેસાડવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી છે. હાલમાં કોર્ટ બંધ હોવાથી ન્યાયિક પ્રક્રિયામાં ઘણો સમય જાય છે. એ સાથે પેન્ડિગ કેસોમાં પણ વધારો થતો જાય છે.’