25 April, 2023 11:14 AM IST | Mumbai | Mehul Jethva
મુલુંડ-વેસ્ટના ગણેશ ગાવડે રોડ પર આવેલું હનુમાનજીનું પ્રખ્યાત મંદિર
મુલુંડમાં હનુમાનજીનું પ્રખ્યાત મંદિર બાબાજી કી ઝોપડી જેને ઉદાસીન આશ્રમ પણ કહેવામાં આવે છે ત્યાંથી શનિવારે ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ પર પહેરાવેલા ૧૫૦ ગ્રામ ચાંદીના મુગટની ચોરી થઈ હતી. શનિવારે મંદિરમાં મોટા પ્રમાણમાં ભક્તોનો ધસારો હતો, જેમાંથી કોઈકે ચોરી કરી હોવાની પોલીસને શંકા છે. આ ઘટનાની મુલુંડ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.
મુલુંડ-વેસ્ટના ગણેશ ગાવડે રોડ પર ઉદાસીન અખાડા (બાબાજી કી ઝોપડી)માં સેવક તરીકે ફરજ બજાવતા શક્તિ ઉમાશંકર શુક્લાએ કરેલી ફરિયાદ અનુસાર છેલ્લા એક વર્ષથી તેઓ મંદિરમાં સેવા કરે છે. બાબાજી કી ઝોપડી મંદિર મૂળ હનુમાનની ભક્તિ માટે પ્રખ્યાત હોવાથી શનિવારે મોટા પ્રમાણમાં ભક્તો અહીં આવતા હોવાથી શુક્રવાર ૨૧ એપ્રિલે રાતે મંદિરની સાફસફાઈ કર્યા બાદ મંદિરમાં રહેલી ભગવાનની મૂર્તિઓ પર સોના-ચાંદીના દાગીના ચડાવ્યા હતા. ૨૨ એપ્રિલે સવારે ૬ વાગ્યે મંદિર ખોલ્યા બાદ કેટલાક ભક્તો મંદિરમાં આવ્યા હતા. જોકે રાતે ૯ વાગ્યે હીંચકામાં બેસેલા કૃષ્ણ ભગવાનની મૂર્તિ પરનો મુગટ ન દેખાતાં મંદિરમાં હાજર બીજા સેવકો અને પૂજારીઓ દ્વારા મુગટની શોધ ચલાવવામાં આવી હતી. જોકે મુગટની કોઈ ભાળ ન મળતાં અંતે મુગટ ચોરાયો હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
મુલુંડ પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘટનાની ફરિયાદની નોંધ કરીને અમે તપાસ હાથ ધરી છે. આ સેન્સિટિવ મામલો હોવાથી અહીંના સેવકો દ્વારા મળેલી માહિતીને આધારે તપાસ કરવામાં આવી રહી છે.