લાડકા ભાઉએ ૭૫૦૦ રૂપિયા પાછા આપ્યા

11 December, 2024 01:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લાડકી બહિણ યોજનામાં બોગસ અરજી કરીને લાભ લેનારાઓ સામે કાર્યવાહીની શરૂઆત થતાં જાલનાના એક લાભાર્થીએ યોજનાનો લાભ સામેથી પાછો કરી દીધો

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

મહારાષ્ટ્ર સરકારની મુખ્ય મંત્રી માઝી લાડકી બહિણ યોજનામાં રાજ્યની મહિલાઓને દર મહિને ૧૫૦૦ રૂપિયા આર્થિક સહાય આપવાની યોજના રક્ષાબંધને શરૂ કરવામાં આવી હતી. આર્થિક લાભ મેળવવા માટે લાડકી બહિણની સાથે કેટલાક લાડકા ભાઉએ પણ અરજી કરીને રૂપિયા મેળવ્યા હોવાનું જણાયું છે. આવી રીતે અનેક લોકોએ સરકારી યોજનાના રૂપિયા મેળવ્યા હોવાની માહિતી મળતાં સરકારે ગુનો નોંધવાની શરૂઆત કરી છે. જાલનામાં રહેતા વિલાસ ભુતેકરના બૅન્ક-અકાઉન્ટમાં લાડકી બહિણ યોજનાના પાંચ મહિનાના મળીને કુલ ૭૫૦૦ રૂપિયા જમા થયા હતા. આ રકમ તેના બૅન્કના અકાઉન્ટમાં પાંચ ડિસેમ્બરે જમા થઈ હતી. વિલાસ ભુતેકરે સોમવારે મહિલા અને બાલકલ્યાણ વિભાગમાં જઈને કહ્યું હતું કે લાડકી બહિણ યોજનાની અરજી કરતી વખતે તેણે ભૂલથી પત્નીને બદલે પોતાનો આધાર નંબર નોંધાવ્યો હતો, આથી આ યોજનાના રૂપિયા તેના અકાઉન્ટમાં જમા થયા છે, આ રકમ પોતે પાછી આપવા માગે છે. વિલાસ ભુતેકરે પ્રામાણિકતા દાખવવાની સાથે અરજીની ચકાસણીમાં પકડાઈ જશે તો મુશ્કેલીમાં મુકાશે એમ વિચારીને રકમ પાછી આપી છે.

maharashtra news mumbai mumbai news maharashtra news