કલ્યાણ બળાત્કાર અને હત્યાકેસના નરાધમ આરોપી અને તેની પત્ની બીજી જાન્યુઆરી સુધી પોલીસ-કસ્ટડીમાં

27 December, 2024 03:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સગીરા પર બળાત્કાર અને તેની હત્યાને લઈને લોકોમાં બહુ જ રોષ હતો અને એ સંદર્ભે મોં પર કાળી પટ્ટી બાંધીને મૂક મોરચો પણ કાઢવામાં આવ્યો હતો

પ્રતીકાત્મક તસવીર

કલ્યાણના ચક્કીનાકા વિસ્તારમાં રહેતી સગીર કિશોરીનું અપહરણ કર્યા પછી તેના પર બળાત્કાર કરીને તેની હત્યા કરનાર રીઢા ગુનેગાર વિશાલ ગવળી અને તેને નાસી જવામાં મદદ કરનાર તેની પત્ની સાક્ષીને ગઈ કાલે પોલીસે કોર્ટમાં હાજર કર્યાં હતાં. કોર્ટે બન્નેને બીજી જાન્યુઆરી સુધીની પોલીસ-કસ્ટડી આપી હતી.

સગીરા પર બળાત્કાર અને તેની હત્યાને લઈને લોકોમાં બહુ જ રોષ હતો અને એ સંદર્ભે મોં પર કાળી પટ્ટી બાંધીને મૂક મોરચો પણ કાઢવામાં આવ્યો હતો. લોકોએ હાથમાં પ્લૅકાર્ડ‍્સ રાખીને આરોપીઓને ફાંસી આપો એવી માગણી કરી હતી. એથી પોલીસે આજે તે બન્નેને કલ્યાણની કોર્ટમાં ભારે બંદાબસ્ત વચ્ચે હાજર કર્યાં હતાં.  

પોલીસે તેની રિમાન્ડ-અરજીમાં કહ્યું હતું કે આ કેસમાં આરોપી વિશાલે સગીરાનું અપહરણ કઈ રીતે કર્યું, તેની કઈ રીતે હત્યા કરી, ત્યાર બાદ બાપદેવ ગાવ પાસે કઈ રીતે મૃતદેહનો નિકાલ કર્યો એની વિગતો મેળવવાની હોવાથી દંપતીને પોલીસ-કસ્ટડી આપવામાં આવે. કોર્ટે તેમની રજૂઆત માન્ય રાખી બન્નેને બીજી જાન્યુઆરી સુધીની પોલીસ-કસ્ટડી આપી હતી.

kalyan Crime News mumbai crime news mumbai mumbai news