01 March, 2025 08:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઇન્ટરનૅશનલ વિમેન્સ ડેને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર ટૂરિઝમ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MTDC)એ રાજ્યની મહિલાઓ માટે અમુક સવલતો જાહેર કરી છે, જેમાં મુખ્યત્વે આજથી ૮ માર્ચ સુધી MTDC સાથે સંલગ્ન હોટેલ્સમાં પચાસ ટકા ડિસ્કાઉન્ટ ઑફર કર્યું છે. વળી આ ૫૦ ટકાનું ડિસ્કાઉન્ટ માત્ર એક અઠવાડિયા પૂરતું જ નથી, વર્ષ દરમ્યાન બીજા બાવીસ દિવસ પણ આ ઑફરનો ફાયદો મહિલાઓ લઈ શકશે. જોકે એના દિવસો તેઓ MTDCની વેબસાઇટ પર જાહેર કરવાના છે.
રાજ્યના કૅબિનેટ પ્રધાન શંભુરાજ દેસાઈએ આ બાબતે માહિતી આપતાં કહ્યું હતું કે ‘મહિલાઓ પ્રવાસ અને પર્યટન સુરિક્ષતપણે અને વધુ સુવિધાજનક રીતે કરી શકે એ માટે MTDCએ ખાસ આઈ (મમ્મી) નામની પૉલિસી અપનાવી હતી. આ પૉલિસી અંતર્ગત ગયા વર્ષે વિમેન્સ ડેના દિવસે ઑફર કરાયેલા ડિસ્કાઉન્ટને બહુ જ સારો પ્રતિસાદ મળ્યો હતો અને ૧૫૦૦ મહિલાઓએ એનો લાભ લીધો હતો. એથી આ જ પૉલિસીને આ વર્ષે પણ ચાલુ રાખવામાં આવી છે.’
મહિલાઓ MTDCની વેબસાઇટ પર બુકિંગ કરાવીને આ ૫૦ ટકા ડિસ્કાઉન્ટનો લાભ મેળવી શકે છે. મહિલાઓ વધુ ને વધુ પ્રવાસ કરતી થાય એથી તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખી MTDC દ્વારા નાગપુર, છત્રપતિ સંભાજી નગર અને ખારઘરમાં ફક્ત મહિલાઓ દ્વારા જ મૅનેજ કરવામાં આવતી હોટેલ પણ શરૂ કરવામાં આવી છે. એમાં રિસૉર્ટ-મૅનેજમેન્ટથી લઈને સિક્યૉરિટી, ટૅક્સી-સર્વિસિસ, હાઉસકીપિંગ અને હૉસ્પિટૅલિટી એમ દરેક વિભાગમાં માત્ર મહિલાઓને જ જૉબ પર રાખવામાં આવી છે. આમ તેમને રોજગાર આપવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.