પનવેલ પાસે પથ્થર તોડવાના બ્લાસ્ટમાં માતા-પુત્રનાં મૃત્યુ થયાં

24 December, 2022 12:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પનવેલ-કર્જત રેલવેલાઇન પાસે કામ ચાલી રહ્યું છે જેમાં સાત લોકોને ઈજા પણ થઈ

પ્રતીકાત્મક તસવીર

સેન્ટ્રલ રેલવેમાં પનવેલ-કર્જત રેલવેલાઇન પર ગઈ કાલે પથ્થર તોડવા માટે કરવામાં આવેલા બ્લાસ્ટમાં માતા અને પુત્રનાં મૃત્યુ થયાં હતાં. આ ઘટનામાં અન્ય સાત લોકોને પણ ઈજા થઈ હતી. તેમને કર્જતમાં આવેલી એક સ્થાનિક હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસના જણાવ્યા મુજબ પનવેલ-કર્જત રેલવેલાઇન પર કામ ચાલી રહ્યું છે. અહીંના રસ્તામાં મોટા પથ્થરને તોડવા માટે બ્લાસ્ટ કરવામાં આવ્યો ત્યારે પથ્થરનો મોટો ભાગ રેલવેલાઇન નજીક રહેતા નવ લોકો પર પડ્યો હતો. આ ઘટનામાં એક મહિલા અને તેના પુત્રનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે સાત લોકોને ઈજા પહોંચી હતી.

આ ઘટનાથી સ્થાનિક રહેવાસીઓ ક્રોધિત થયા હતા અને તેમણે થોડો સમય રસ્તારોકો આંદોલન કર્યું હતું. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ અહીં રેલવે દ્વારા પથ્થરો તોડવા માટે બ્લાસ્ટ કરવામાં આવી રહ્યા છે, જેને લીધે અનેક વખત હવામાં ઊડેલા પથ્થર પડવાથી લોકોને પરેશાની થઈ રહી છે. આ વિશે વારંવાર રજૂઆત કર્યા બાદ પણ રેલવે સાંભળતી નથી. 

mumbai mumbai news panvel