૯૫માંથી ૭૬ પોલીસ-સ્ટેશનના લૅન્ડલાઇન ફોન બંધ

08 June, 2024 07:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોલીસ-સ્ટેશનોમાં મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ (MTNL)ની ફોન-સુવિધા હોવાથી ફરિયાદ બાદ પણ કોઈ પ્રકારનો સહયોગ ન મળતો હોવાનું અધિકારીઓનું કહેવું છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મુંબઈમાં એક તરફ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સતત કથળતી જઈ રહી છે. એમાં પણ ખાસ કરીને ચોરી, લૂંટફાટ, મારામારી અને હત્યાના બનાવો સાથે સાઇબર ક્રાઇમની ઘટનામાં પણ છેલ્લા એક વર્ષમાં જોરદાર વધારો જોવા મળ્યો છે ત્યારે મુંબઈનાં ૯૫માંથી ૭૬ પોલીસ-સ્ટેશનના લૅન્ડલાઇન નંબર છેલ્લા કેટલાક સમયથી બંધ છે. મોટા ભાગનાં પોલીસ-સ્ટેશનોમાં મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ (MTNL)ની ફોન-સુવિધા હોવાથી ફરિયાદ બાદ પણ કોઈ પ્રકારનો સહયોગ ન મળતો હોવાનું અધિકારીઓનું કહેવું છે.

મુંબઈ પોલીસની વાત કરીએ તો રાજ્યની બીજી પોલીસ કરતાં મુંબઈ પોલીસ પર કામનો ભાર વધારે છે. અહીં પોલીસ માટે કામ કરવાનું વાતાવરણ પણ ખૂબ જ અઘરું છે. પોલીસ પાસે બેઝિક સાધનસામગ્રી પણ નથી. ગુનેગારો પણ હવે વધુ ને વધુ હાઈ-ટેક થઈ રહ્યા છે ત્યારે મુંબઈ પોલીસની વાત કરીએ તો મુંબઈનાં ૯૫માંથી ૭૬ પોલીસ-સ્ટેશનની લૅન્ડલાઇન છેલ્લા કેટલાક મહિનાઓથી બંધ છે. ‘મિડ-ડે’ દ્વારા ગઈ કાલે મુંબઈનાં પોલીસ-સ્ટેશનોમાં ફોન કરીને તપાસ કરવામાં આવી ત્યારે અમુક ફોન નૉટ રીચેબલ તો કેટલાક આખો દિવસ બિઝી આવી રહ્યા હતા. આ સમયે સવાલ એ ઊઠે છે કે જો કોઈ કટોકટી સર્જાય તો પોલીસ-સ્ટેશનનો કેવી રીતે સંપર્ક કરવો? અમુક કિસ્સામાં પોલીસ-સ્ટેશનમાં માત્ર રિંગ વાગ્યા કરતી હતી, પણ કોઈએ ફોન ઉપાડ્યો નહોતો.

મુંબઈમાં મોટા ભાગનાં પોલીસ-સ્ટેશનોમાં MTNLની લૅન્ડલાઇન હોવાથી એ બંધ હોવાનું જણાવતાં મુંબઈ પોલીસ વિભાગના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પોલીસ-સ્ટેશન તરફથી અનેક વાર MTNLને ફરિયાદ કરતા પત્રો આપવામાં આવ્યા છે. જોકે એમની પાસે સ્ટાફની અછત હોવાથી હજી પણ રિપેર નથી કર્યા. આ લૅન્ડલાઇન બંધ હોવાથી આરોપી કે સંબંધિત બીજા પોલીસ-સ્ટેશનને ફોન કરવો હોય ત્યારે પોલીસ-અધિકારીઓને પોતાનો મોબાઇલ વાપરવાની ફરજ પડે છે.’

આ પોલીસ-સ્ટેશનોના ફોન બંધ 
આરે, આ​ગ્રીપાડા, આઝાદ મેદાન, બાંગુરનગર, ચેમ્બુર, ચૂનાભઠ્ઠી, કોલાબા, કફ પરેડ, દહિસર, દેવનાર, દિંડોશી, ડોંગરી, ગામદેવી, ગોરાઈ, ગોરેગામ, જોગેશ્વરી, જુહુ, કાલાચૌકી, કાંદિવલી, કાંજુરમાર્ગ, ખાર, ખેરવાડી, માહિમ, મલાડ, માનખુર્દ, માટુંગા, મેઘવાડી, મુલુંડ, નેહરુનગર, નિર્મલનગર, પંતનગર, પાર્કસાઇટ, પવઈ, રાષ્ટ્રીય કે​મિકલ ફ​ર્ટિલાઇઝર (RCF), સહાર, સમતાનગર, સાંતાક્રુઝ, શિવરી, સાહુનગર, શિવાજીનગર, સાયન, ટ્રૉમ્બે, વનરાઈ, વિક્રોલી, વિનોભા ભાવેનગર, વડાલા, વડાલા ટ્રક ટર્મિનલ, વરલી, યલો ગેટ.

ફોન-લાઇનમાં પ્રૉબ્લેમને કારણે આ પોલીસ-સ્ટેશનોમાં કોઈએ ફોન ન ઉપાડ્યા

ઍરપોર્ટ, આંબોલી, ઍન્ટૉપ હિલ, ભોઈવાડા, ભાયખલા, ચારકોપ, ડી. એન. નગર, ડી. બી. માર્ગ, ઘાટકોપર, ગોવંડી, કસ્તુરબા માર્ગ, કુરાર, કુર્લા, MHB, MIDC, મલબાર હિલ, માલવણી, મુંબઈ સાગરી ૧-૨, નાગપાડા, પાયધુની, રફી અહમદ કિડવાઈ માર્ગ, સાકીનાકા, તાડદેવ, તિલકનગર, વાકોલા

mumbai news mumbai mumbai police