આ હૉસ્પિટલ છે કે ભંગારનું ગોડાઉન?

23 May, 2024 01:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

થાણેની છત્રપતિ શિવાજી મહારાજ હૉસ્પિટલમાં મચ્છરોનું સામ્રાજ્ય, દરદીઓ સાજા થવાને બદલે બીમાર પડી રહ્યા છે

થાણેની છત્રપતિ શિવાજી મહારાજ હૉસ્પિટલના આવા છે હાલ

થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)ની છત્રપતિ શિવાજી મહારાજ હૉસ્પિટલમાં ગંદકીનું સામ્રાજ્ય ઊભું થયું છે. મ્યુનિસિપલ પ્રશાસને અહીં સ્વચ્છતા પર પૂરતું ધ્યાન આપ્યું નથી એથી હૉસ્પિટલમાં જવાનો એક અલગ જ અનુભવ દરદીઓને થઈ રહ્યો છે. બીજી તરફ હૉસ્પિટલના પાછળના ભાગે પડેલા કાટમાળને કારણે હૉસ્પિટલની હાલત કફોડી બની છે. આ કાટમાળ આ વિસ્તારમાં ઘણા દિવસથી પડ્યો રહ્યો હોવાથી મચ્છરો વધ્યા છે જેથી દરદીઓના સ્વજનો ફરિયાદ કરી રહ્યા છે કે તેઓ સાજા થવાને બદલે વધુ બીમાર થઈ રહ્યા છે.

TMCની આ એકમાત્ર હૉસ્પિટલ છે અને આ હૉસ્પિટલમાં દરરોજ ૧૭૦૦થી ૨૨૦૦ દરદીઓ આવે છે. ૫૦૦ બેડની આ હૉસ્પિટલમાં ૪૦૦થી વધુ બેડ હંમેશાં ભરેલા રહે છે. એ ઉપરાંત છેલ્લા કેટલાક મહિનાથી દરદીઓની મફત તપાસ અને કેસપેપર હોવાથી અહીં દરદીઓની આવવાની સંખ્યા વધી છે. નવાં અત્યાધુનિક તબીબી સાધનો, દરદીઓની કતાર ઘટાડવા માટે પેપરલેસ સિસ્ટમ, દરદીઓ અને સગાંઓ માટે પુસ્તકાલય જેવી સુવિધા સાથે પણ એને અપડેટ કરવામાં આવી રહી છે. જોકે અહીં સ્વચ્છતાને મહત્ત્વ આપવામાં આવ્યું નથી. સમયસર સફાઈ ન થવાને કારણે હૉસ્પિટલ પરિસરમાં આવતી દુર્ગંધ અમુક અંશે વધી છે. એક તરફ હૉસ્પિટલ તો બીજી તરફ હૉસ્પિટલના પાછળના ભાગે ભંગારની સામગ્રી ઠાલવવામાં આવી રહી છે. અગાઉ આ જ કાટમાળ હૉસ્પિટલની અંદર સીડી નીચે ફેંકવામાં આવ્યો હતો, પરંતુ તત્કાલીન કમિશનરે હૉસ્પિટલનું નિરીક્ષણ કરીને કાટમાળ હટાવવાની સૂચના આપી હતી અને એ હવે હૉસ્પિટલના પાછળના ભાગમાં ભેગો કરવામાં આવ્યો છે.

હૉસ્પિટલનું જૂનું ફર્નિચર, બેડ, ટેબલ-ખુરસી, લોખંડની જાળી, કબાટ વગેરે રસ્તામાં અણઘડ રીતે મૂક્યાં છે એમ જણાવતાં હૉસ્પિટલમાં સારવાર માટે ગયેલા એક નાગરિકે કહ્યું કે આને કારણે વૉર્ડમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને દરદી સારો થવાને બદલે વધુ બીમાર પડી જાય છે. 

thane thane municipal corporation mumbai mumbai news