માંજાને લીધે ૮૦૦થી વધુ પક્ષીઓની પાંખ કપાઈ અને ઘણાંના જીવ ગયા

16 January, 2024 08:12 AM IST  |  Mumbai | Mehul Jethva

સમગ્ર મુંબઈમાં વિવિધ સંસ્થાઓ અને ઍનિમલ ગ્રુપો દ્વારા ૨૫થી વધુ ફ્રી બર્ડ મેડિકલ કૅમ્પનું આયોજન ૧૪ અને ૧૫ જાન્યુઆરીએ કરવામાં આવ્યું હતું

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ : સમગ્ર મુંબઈમાં વિવિધ સંસ્થાઓ અને ઍનિમલ ગ્રુપો દ્વારા ૨૫થી વધુ ફ્રી બર્ડ મેડિકલ કૅમ્પનું આયોજન ૧૪ અને ૧૫ જાન્યુઆરીએ કરવામાં આવ્યું હતું. એમાં ૮૦૦થી વધુ ઘાયલ પક્ષીઓને બચાવીને એમને સારવાર આપવામાં આવી હતી. પતંગની તીક્ષ્ણ દોરીઓને કારણે ગંભીર ઈજા થ‍વાથી ઘણાં પક્ષીઓએ જીવ ગુમાવ્યો હતો. દહિસર, બોરીવલી, કાંદિવલી અને મલાડમાં જ ૫૦૦થી વધુ પક્ષીઓને બચાવી લેવામાં આવ્યાં હતાં. ઍનિમલ ઍક્ટિવિસ્ટોનું કહેવું છે કે ખરી કસોટી મકરસંક્રા​ન્તિ પછી થાય છે. આખા વર્ષ દરમિયાન પતંગની દોરીથી ઈજાગ્રસ્ત પક્ષીઓને બચાવવા માટે ફાયર બ્રિગેડ અને એનજીઓને બોલાવવામાં આવે છે જેમાં તેઓ કાં તો મૃત્યુ પામે છે અથવા ઘાયલ થાય છે અને જીવનભર ઊડી શકતાં નથી. જે પક્ષીઓ ઊડી શકતાં નથી એમને જીવનભર આશ્રયસ્થાનોમાં રાખવાં પડે છે.

મુંબઈમાં આશરે ૨૦ દિવસ પહેલાં એક પોલીસ કૉન્સ્ટેબલનું ચાઇનીઝ માંજાને કારણે મૃત્યુ થયું હતું. ત્યાર બાદ પોલીસ વિભાગ દ્વારા આવો માંજો વેચનારા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. એમ છતાં પ્રતિબંધિત માંજાનું અનેક જગ્યાએ વેચાણ થઈ રહ્યું હોવાનું જોવા મળ્યું હતું. એને કારણે પક્ષીપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચાઇનીઝ માંજો પાતળો અને તીક્ષ્ણ હોય છે જેને લીધે પક્ષીઓને ગંભીર ઈજા થાય છે અને એમનો મૃત્યુદર વધતો હોય છે. આવા માંજાથી માણસો પણ ઘાયલ થાય છે. ઍનિલમ ઍક્ટિવિસ્ટોએ સોશ્યલ મીડિયા પર પશુ કલ્યાણ સંસ્થાઓ અને પક્ષીપ્રેમીઓમાં આ માંજા અંગે જાગૃતિ વધારી હતી જેને કારણે આ વર્ષે પતંગ ઉડાવનારા લોકોની સંખ્યા ઓછી જોવા મળી છે. તેઓ જાણે છે કે પક્ષીઓને પોતાના આનંદ માટે સજા કરવી યોગ્ય નથી. મકરસંક્રા​ન્તિની ઉજવણી મીઠાઈ અને લાડુ ખાઈને કરી શકાય છે. તહેવાર ખુશી ફેલાવવા માટે છે, કોઈને દુઃખ પહોંચાડવા માટે નથી.

ઍનિમલ વેલ્ફેર બોર્ડ ઑફ ઇન્ડિયા અને કરુણા ટ્રસ્ટ, વિરારના ટ્રસ્ટી મિતેશ જૈને  ૧૪ અને ૧૫ જાન્યુઆરી એમ બે દિવસ મકરસંક્રા​ન્ત નિમિત્તે ફ્રી બર્ડ મેડિકલ કૅમ્પનું આયોજન કર્યું હતું. તેમના મેડિકલ કૅમ્પમાં ૧૮ પક્ષીઓને બચાવીને સારવાર આપવામાં આવી હતી. એમાંથી ત્રણ કબૂતરો મૃત્યુ પામ્યાં હતાં અને ત્રણ પ્રાથમિક સારવાર બાદ ઊડી ગયાં હતાં. બાકીનાં હાલમાં સારવાર હેઠળ છે

mumbai news mumbai makar sankranti