22 June, 2022 09:33 AM IST | Mumbai | Ruchita Shah
ગઈ કાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસે લોકલ ટ્રેનમાં યોગ શીખવી રહેલા હિલ સ્ટેશન નામની સંસ્થાના યોગ શિક્ષકો.
મુંબઈ ઃ સમયનો અભાવ ધરાવતા મુંબઈકરો રોજ પોતાના ટ્રેનના પ્રવાસના સમયનો સદુપયોગ કરીને યોગ દ્વારા એને હેલ્ધી ટ્રાવેલ બનાવી શકે છે એ મેસેજ છેલ્લાં છ વર્ષથી મુંબઈના યોગ શિક્ષકો દર આંતરરાષ્ટ્રીય યોગ દિવસે મુંબઈની લોકલ ટ્રેનમાં યોગાભ્યાસ દ્વારા શીખવાડી લોકો સુધી પહોંચાડવાના પ્રયાસો કરી રહ્યા છે. છેલ્લાં પાંચ વર્ષથી ચાલતા આ અભિયાનને આ વર્ષે ખૂબ મોટા પાયે પાર પાડવામાં આવ્યું હતું. આ વર્ષે આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે હિલ સ્ટેશન અને સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવે દ્વારા મુંબઈની રનિંગ લોકલમાં યોગ શીખવવાના આયોજનમાં મુંબઈના ૭૫ કરતાં વધુ યોગ શિક્ષકો જોડાયા હતા. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી સવારે સાડાનવ વાગ્યાથી શરૂ થયેલા આ કૅમ્પેનમાં પ્લૅટફૉર્મ પર વેઇટ કરતા પ્રવાસીઓમાં પણ દરેક ઉંમરના પ્રવાસીઓને યોગ શીખવીને શિક્ષકોની જુદી-જુદી ટીમ સેન્ટ્રલ, હાર્બર અને વેસ્ટર્ન લાઇનની ટ્રેનમાં પ્રવાસીઓને યોગ શીખવવા માટે ઊપડી પડી હતી.
આયોજકોએ જણાવ્યું હતું કે ‘મુંબઈમાં હવે ટ્રેન-ટાઇમ યોગ-ટાઇમ બની શકે છે એવી જાગૃતિ પહેલાંની તુલનામાં લોકોમાં આવી છે. અમને પ્રવાસીઓ તરફથી ખૂબ જ સારો રિસ્પૉન્સ મળ્યો છે. ટીચરોનો ઉત્સાહ પણ અદ્ભુત હતો. હજી થોડાંક વર્ષોમાં લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે યોગ કરવાની બાબત કદાચ લોકોની જીવનશૈલીનો હિસ્સો બની જાય તો નવાઈ નહીં.’
અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈ સેન્ટ્રલના રેલવે સ્ટાફ અને પ્રવાસીઓને પણ યોગ કરાવનારા યોગ શિક્ષકોએ કર્ણાવતી ટ્રેનમાં જઈને પૅસેન્જરોને પણ યોગાભ્યાસ કરાવ્યો હતો. ‘અબ સે હોગા, ટ્રેન મેં યોગા’, ‘ટ્રેન ટાઇમ ઇઝ ફિટનેસ ટાઇમ’ અને ‘આજ કરેંગે, કલ કરેંગ, રોજ કરેંગે યોગ’ જેવા નારાઓથી ટ્રેનો અને પ્લૅટફૉર્મ ગુંજી ઊઠ્યાં હતાં.