ન્યૂઝ શૉર્ટમાં : મંત્રાલયની બહાર વિરોધ-પ્રદર્શન કરવા બદલ ૪૦થી વધુ લોકોની અટકાયત

07 February, 2024 08:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ પોલીસે મંગળવારે સફાઈ કામદારો માટેની સંસ્થાના ૪૦થી વધુ લોકોની અટકાયત કરી હતી.

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ પોલીસે મંગળવારે સફાઈ કામદારો માટેની સંસ્થાના ૪૦થી વધુ લોકોની અટકાયત કરી હતી. તેમણે મંત્રાલય સામે દયાના ધોરણે નોકરીની માગણી સાથેનું આંદોલન કર્યું હતું.
અધિકારીએ જણાવ્યું હતું કે ‘રાજ્ય સફાઈ કામદાર સંગઠનના નેતૃત્વમાં પ્રદર્શનકારીઓ બપોરે ૨.૩૦ વાગ્યે રાજ્યના સચિવાલયની સામે એકત્ર થયા હતા. કેટલાક વિરોધીઓએ દયાના ધોરણે નોકરીની તેમની માગને લઈને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને મળવાની પણ માગ કરી હતી. પોલીસે દેખાવકારોની અટકાયત કરી હતી અને તેમને આઝાદ મેદાન લઈ ગયા હતા, જે વિરોધ-પ્રદર્શન માટેનું મેદાન છે.’

હત્યાના પ્રયાસના કેસમાં સાત મહિનાથી ફરાર આરોપી પકડાયો

થાણેમાં એક મીટ શૉપના માલિકની હત્યા કરવાના પ્રયાસના કેસમાં સાત મહિનાથી ફરાર ૨૭ વર્ષના યુવકની ધરપકડ કરવામાં આવી હતી. સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર આનંદ રાઓરાણેએ જણાવ્યું હતું કે સાત-આઠ લોકોની ટોળકીએ ગયા વર્ષે ૧૪ જૂનના રોજ ધોકાલી વિસ્તારમાં દુકાનના માલિક પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો, કારણ કે તે આરોપીઓની માગણી મુજબ એક વ્યક્તિ વિશે માહિતી મેળવી શક્યો નહોતો. હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા શૉપઓનરને હૉસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. પોલીસે ૨૭ વર્ષના શખ્સ સહિતના ફરાર આરોપીઓ સામે આઇપીસીની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. થાણે સર્કિટ હાઉસ નજીક સોમવારે બપોરે ત્રણ વાગ્યે આરોપી તોડકાંડના અન્ય એક આરોપીને મળવા પહોંચ્યો હતો ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી. હત્યાના પ્રયાસના કેસમાં અન્ય બે આરોપીઓની ધરપકડ પણ થઈ ચૂકી છે.

એક કરોડની લાંચ માગનારા  ટૅક્સ વિભાગના અધિકારી સામે કેસ

ઍન્ટિ-કરપ્શન બ્યુરો (એસીબી)એ સ્ટેટ ટૅક્સના અસિસ્ટન્ટ કમિશનર અને મહારાષ્ટ્ર જીએસટી વિભાગના અન્ય અધિકારીઓ સામે એક કરોડ રૂપિયાની લાંચ માગવા બદલ ગુનો નોંધ્યો છે. અધિકારીઓ પર પેન્ડિંગ ટૅક્સના મુદ્દે પતાવટ કરવા બદલ લાંચ માગવાનો આરોપ છે. એસીબી મુંબઈ યુનિટે બીજી ફેબ્રુઆરીએ અર્જુન સૂર્યવંશી, અસિસ્ટન્ટ કમિશનર ઑફ સ્ટેટ ટૅક્સ (ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચ) અને અન્ય અધિકારીઓ સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ સાત હેઠળ ગુનો નોંધ્યો હતો.

સૂર્યવંશી અને તેમની ટીમે ગયા વર્ષે પાંચમી જુલાઈથી સાતમી ઑગસ્ટ વચ્ચે એક પેઢી પર દરોડા પાડ્યા હતા, જેનો ૨૦ કરોડથી વધુનો ટૅક્સ બાકી હતો. પેઢીના ડિરેક્ટરે બાકી ટૅક્સ ન ચૂકવતાં જીએસટી વિભાગના અધિકારીઓએ તેમની ઑફિસ અને નિવાસસ્થાનની પણ મુલાકાત લીધી હતી. ૨૧ ઑગસ્ટે સૂર્યવંશીએ કથિત રીતે એક વૉટ્સઍપ મેસેજ દ્વારા કંપનીના ડિરેક્ટર પાસેથી ટૅક્સ મામલે સમાધાન કરવા માટે એક કરોડ રૂપિયાની માગણી કરી હતી. તપાસ દરમિયાન લાંચની માગણીની પુષ્ટિ થઈ હતી અને અધિકારીઓ સામે એફઆઇઆર કરવામાં આવ્યો હતો.

mumbai news mumbai mantralaya mumbai police