આવનારા ઇલેક્શનનો આભાર માનો : મુંબઈગરાઓને ટોલમાંથી મુક્તિ મળી

15 October, 2024 07:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પાંચમાંથી ચાર ટોલ-નાકાંનો ૨૦૨૭ સુધી કૉન્ટ્રૅક્ટ હોવાથી તેમને થનારા નુકસાનને સરકાર ભરશે

નાગરિકો રાજી થયાં

રાજ્ય સરકારે ગઈ કાલે સવારે કૅબિનેટની બેઠકમાં મુંબઈના પાંચેય એન્ટ્રી પૉઇન્ટ પર લાઇટ મોટર વેહિકલ્સને ટોલમુક્ત કરવાની જાહેરાત કરી હતી. આ નિર્ણય ગઈ કાલે રાત્રે બાર વાગ્યાથી લાગુ કરવામાં આવ્યો હતો. વાશી ટોલ-નાકા, મુલુંડ ઈસ્ટ ટોલ-નાકા, મુલુંડ વેસ્ટ ટોલ-નાકા, ઐરોલી ટોલ-નાકા અને દહિસર ટોલ-નાકા પરથી પસાર થતી વખતે કારવાળાએ ૪૫ રૂપિયાનો ટોલ ભરવો પડતો હતો. જોકે આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે નાનાં વાહનો માટે ટોલમુક્તિ કરી હોવાનું કહેવાય છે. બીજી બાજુ રાજ્ય સરકારના આ નિર્ણયથી સરકારી તિજોરી પર આશરે પાંચ હજાર કરોડ રૂપિયાનો બોજ પડે એની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પાંચમાંથી ચાર ટોલ-નાકાંનો ૨૦૨૭ સુધી કૉન્ટ્રૅક્ટ હોવાથી તેમને થનારા નુકસાનને સરકાર ભરશે.

મુલુંડના હરિઓમનગરમાં રહેતા ૧૦ હજારથી વધુ નાગરિકોને મોટો ફાયદો

હરિઓમનગર ઍપેક્સ બોડી ફેડરેશનના અધ્યક્ષ સાહેબરાવ સુરવાડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સ્થાનિક પ્રશાસનથી લઈને તમામ રાજનેતાઓ પાસે અમે વર્ષોથી ટોલમાફી માટે માગણી કરી હતી એટલું જ નહીં, દરેક ઇલેક્શનમાં અમને અહીં ટોલમાફી કરાવી આપવામાં આવશે એવાં વચનો આપવામાં આવતાં હતાં. જોકે કંઈ જ થતું નહોતું હાલમાં સરકાર જાહેર કરેલા આ નિર્ણયથી અમે બહુ જ ખુશ છે.’

સ્ટેશન પાસેથી કોઈ ચીજ લેવા જવી હોય તો ૯૦ રૂપિયા ટોલના ભરવા પડતા હતા. મારા જેવા કેટલાક સ્થાનિક રહેવાસી પોતાની કાર ન વાપરી બસ અથવા સ્કૂટર પર પ્રવાસ કરતા હતા એમ જણાવતાં હરિઓમનગરના સ્થાનિક રહેવાસી મધુસૂદન ગુટ્ટીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હરિઓમ નગર સ્ટેશન વિસ્તારથી દૂર હોવાને કારણે શાકભાજી લેવા અથવા બીજી કોઈ વસ્તુની ખરીદી કરવા જવું હોય તો અમારે આવવા અને જવા માટે ૯૦ રૂપિયાનો ટોલ ભરવો પડતો હતો. આ બધાને કારણે મારા જેવા કેટલાક નાગરિકો પોતાની પાસે કાર હોવા છતાં સ્કૂટર અથવા બસમાં પ્રવાસ કરવો પંસદ કરતા હતા, કારણ કે પેટ્રોલ કરતાં ટોલ ઘણી વાર મોંઘો લાગતો હતો.’

હું કેટલાંક વર્ષોથી ટોલ બચાવવા માટે સ્કૂટર પર જ મુસાફરી કરવાનું પસંદ કરતો હતો એમ જણાવતાં મુલુંડ વેસ્ટમાં ટોલ-નાકા નજીક ઑફિસ ધરાવતા અવિનાશ ઠક્કરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું શિવાજીનગર થાણેમાં રહું છું જે ટોલ-નાકાથી માત્ર ૮૦૦ મીટર દૂર છે અને મારી ઑફિસ ટોલ-નાકાથી ૪૦૦ મીટર દૂર છે જે મુલુંડમાં આવે છે. જો મારે ઘરેથી ઑફિસ જવું હોય કે પછી ઑફિસથી ઘરે જવું હોય તો મારે ટોલ ચૂકવવો પડતો હતો. ઘણી વાર દિવસના ૪૦૦ રૂપિયા કરતાં વધારે ટોલ ચૂકવવામાં જતા હતા. આ બધાને કારણે મેં સ્કૂટર પર જ ફરવાનું શરૂ કર્યું હતું.’

mumbai news mumbai maharashtra maharashtra news mumbai traffic eknath shinde bharatiya janata party maharashtra assembly election 2024 mulund