પૈસાના વિવાદમાં વેપારીના મારથી ડરી ગયેલા ચેમ્બુરના રહેવાસીએ બિલ્ડિંગ પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી

20 December, 2022 12:19 PM IST  |  Mumbai | Mehul Jethva

આખી ઘટના સામે આવ્યા બાદ માર મારનાર વેપારી સામે આત્મહત્યા માટે પ્રેરિત કરવા બદલ ફરિયાદ નોંધીને તેની ધરપકડ કરી છે

કાળુ સેકડે

ચેમ્બુરમાં રહેતા એક ભાઈને પૈસાના જૂના વિવાદમાં વેપારીએ લેધરના પટ્ટા વડે માર માર્યો હતો, જેનાથી ડરી ગયેલા યુવકે ૧૫મા માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી હતી. નેહરુનગર પોલીસે પ્રાથમિક માહિતીના આધારે પહેલાં એડીઆર નોંધીને આખી ઘટના સામે આવ્યા બાદ માર મારનાર વેપારી સામે આત્મહત્યા માટે પ્રેરિત કરવા બદલ ફરિયાદ નોંધીને તેની ધરપકડ કરી છે.

ચેમ્બુર વત્સલાતાઈ નગરમાં રહેતા ૪૦ વર્ષના કાળુ સેકડેએ ૧૫ ડિસેમ્બરે બપોરે ૪ વાગ્યે મિત્ર જગન્નાથ સાતપૂતેના ઘરે બેડરૂમનો દરવાજો બંધ કરીને બારીમાંથી ઝંપલાવીને આત્મહત્યા કરી હતી. મૃત્યુ પામનાર યુવકને રાજાવાડી હૉસ્પિટલ લઈ જવાયો હતો. પોલીસે પ્રાથમિક માહિતીના આધારે એડીઆર નોંધીને તપાસ હાથ ધરી હતી. કાળુના મિત્ર સુનીલ ગાયકવાડે પોલીસને કહ્યું હતું કે ‘ઘટનાની બપોરે ૧ વાગ્યે કાળુ સેકડે વેપારી સુભાષ ભટ્ટેની દુકાને ગયો હતો, જ્યાં તેને વેપારી સુભાષે કોઈક કારણસર તેને પટ્ટાથી માર માર્યો હતો. એનાથી ડરી જતાં કાળુ મારા ઘરે આવ્યો હતો અને પોતાને એક રૂમમાં બંધ કરી દીધો હતો. બપોરે ૪ વાગ્યે તેણે બારીમાંથી ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી હતી.’

એ પછી પોલીસે આરોપી સુભાષ ભટ્ટ સામે આત્મહત્યા માટે પ્રેરિત કરવા બદલ ફરિયાદ નોંધીને તેની ધરપકડ કરી છે. કાળુની પત્ની શર્મિલા સેકડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપી સુભાષે મારા પતિને કયા કારણસર માર્યો એની માહિતી હાલમાં પોલીસે અમને આપી નથી. બે વર્ષ પહેલાં મારા પતિનો રોડ-ઍ​ક્સિડન્ટ થયો હતો, એને કારણે તે ખૂબ ગભરાઈ ગયો હતો અને ઘરે જ રહેતો હતો. ઘટનાના દિવસે થયેલી મારઝૂડમાં તે ગભરાઈ ગયો હતો અને તેણે આત્મહત્યા કરી લીધી હતી.’

નેહરુનગર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપી અને મરનાર વ્યક્તિ વચ્ચે પહેલાં પૈસાનો વિવાદ હતો, જેમાં આરોપીએ કાળુને માર માર્યો હતો જેનાથી તે ડરી ગયો હતો અને આત્મહત્યા કરી હતી.

mumbai mumbai news chembur suicide mehul jethva