મહાયુતિની આગામી સરકારની શપથવિધિમાં આવવાનું હું તમને આમંત્રણ આપવા માટે આવ્યો છું

15 November, 2024 07:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રેકૉર્ડબ્રેક મતદાન કરવાની જવાબદારી તમારી છે: નરેન્દ્ર મોદી. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે વડા પ્રધાનની આ છેલ્લી સભા હતી

ગઈ કાલે શિ‍વાજી પાર્કમાં નરેન્દ્ર મોદીને એકનાથ શિંદેની ઉપસ્થિતિમાં તુળજાભવાનીનું ચિત્ર ભેટ આપતા દેવેન્દ્ર ફડણવીસ.

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર અંતિમ ચરણમાં છે ત્યારે ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈના દાદરમાં આવેલા શિવાજી પાર્કમાં અંતિમ જાહેર સભા સંબોધી હતી. આમ તો વિધાનસભાની ચૂંટણીનો છેલ્લો દિવસ ૧૮ નવેમ્બર છે, પણ આવતી કાલથી વડા પ્રધાન વિદેશની મુલાકાતે છે એટલે તેમની હવે કોઈ જાહેર સભા નહીં થાય. મજાની વાત એ છે કે શિવાજી પાર્કની જાહેર સભાનું બુકિંગ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)એ કર્યું હતું, પણ અજિત પવાર ‌સહિત તેમની પાર્ટીના મુંબઈના ઉમેદવાર વડા પ્રધાનની જાહેર સભામાં હાજર નહોતા રહ્યા.

૩૧ મિનિટના સંબોધનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘લાંબા સમયથી કેન્દ્ર અને મહારાષ્ટ્રમાં કૉન્ગ્રેસની સરકાર રહી હતી તો પણ તેઓ મુંબઈનો વિકાસ નહોતા કરી રહ્યા. એની સામે મહાયુતિની સરકારે ગણતરીનાં વર્ષોમાં મુંબઈગરાઓને રાહત મળે એ માટેના એક લાખ કરોડ રૂપિયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ શરૂ કરીને એમાંથી અનેક પૂરા પણ કરી નાખ્યા છે. આનાથી મુંબઈગરાઓને રાહત મળી છે. મુંબઈનો મિજાજ ઈમાનદારી અને સખત મહેનત કરીને આગળ વધવાનો છે; જ્યારે કૉન્ગ્રેસ અને તેના સાથી પક્ષો ભ્રષ્ટાચાર, અટલ સેતુ કે મેટ્રો પ્રોજેક્ટનો વિરોધ કરીને મુંબઈને પાછળ લઈ જવાનો સ્વભાવ ધરાવે છે. સત્તા વિના કૉન્ગ્રેસ માછલીની જેમ તરફડી રહી છે એટલે જાતિ-જાતિ વચ્ચે દુશ્મની ઊભી કરી રહી છે. ભારતીય જનતા પાર્ટી (BJP) અને મહાયુતિના પક્ષો મુંબઈને જોડીને આગળ વધારવાનો વિશ્વાસ રાખે છે. મુંબઈ બાળાસાહેબ ઠાકરે અને સ્વાભિમાનનું શહેર છે, જ્યારે તેમના જ પરિવારે તેમનું રિમોટ કન્ટ્રોલ મુંબઈની સાથે રાજ્ય અને દેશનો વિનાશ કરનારી કૉન્ગ્રેસના હાથમાં આપી દીધું છે. મુંબઈગરાઓ આતંકવાદીઓના હુમલાના જખમ ભૂલ્યા નથી. ટ્રેન, બસ કે કોઈ પણ જગ્યાએ સતત બૉમ્બનો ડર રહેતો હતો. આ ડર મોદીએ ખતમ કરી નાખ્યો. અગાઉ આ જ પોલીસ અને આ જ સુરક્ષા હતી, પણ સરકાર કંઈ નહોતી કરતી એટલે આતંકવાદ બેફામ થયો હતો. ૧૦ વર્ષથી મુંબઈમાં જે શાંતિ છે એ કાયમ રાખવા માટે ફરી એક વખત મહાયુતિની સરકાર જરૂરી છે. ૨૦ નવેમ્બરે રેકૉર્ડ મતદાન કરવાની જવાબદારી તમારી છે. વિધાનસભાની ચૂંટણીના પ્રચારની આ મારી છેલ્લી સભા છે. તમારી પાસે મતદાનના આશીર્વાદ મેળવવાની સાથે હું તમને મુંબઈમાં મહાયુતિની આગામી સરકારની શપથવિધિમાં સામેલ થવા માટેનું આમંત્રણ આપી રહ્યો છે.’

ગઈ કાલે શિવાજી પાર્કની નરેન્દ્ર મોદીની સભામાં ઊમટેલી જનમેદની.

મારું બૂથ સૌથી મજબૂત અભિયાન હેઠળ સંવાદ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે ‘મારું બૂથ સૌથી મજબૂત’ અભિયાનમાં સવારના ૧૧.૩૦ વાગ્યે ૧ લાખ બૂથ ઇન્ચાર્જ સાથે ઑનલાઇન સંવાદ કરશે. આ સંવાદમાં વડા પ્રધાન ભારતીય જનતા પાર્ટીના ચૂંટણીપ્રચારને વધુ સમજબૂત કરવા અને બૂથ લેવલ સુધીના તમામ કાર્યક્રમ સંબંધે વાત કરશે. બૂથ ઇન્ચાર્જ વડા પ્રધાનને તેમનાં સૂચનો http://narendramodi.in/mbsmmh લિંક દ્વારા મોકલી શકશે. 

 

mumbai news mumbai narendra modi political news bharatiya janata party nationalist congress party shiv sena eknath shinde devendra fadnavis maharashtra assembly election 2024 assembly elections