જવલ્લે જ બને એવા કારણસર ઇમિટેશનના વેપારીનું ટ્રેનમાંથી પડી જવાને લીધે થયું મોત?

06 July, 2024 09:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નાલાસોપારામાં રહેતો દિનેશ સોની ટ્રેનના દરવાજા પર ઊભા રહીને મુસાફરી કરતો હતો ત્યારે બની આ ઘટના : તેની સાથળ બળી ગયેલી હોવાથી પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે તેના પૅન્ટના ​ખિસ્સામાં મૂકેલો મોબાઇલ બ્લાસ્ટ થયો એટલે હાથ છટકી જવાથી તે નીચે પડ્યો કે કેમ?

દિનેશ સોની

નાલાસોપારામાં રહેતા અને ભાઈંદરમાં ઇમિટેશન જ્વેલરીની વર્કશૉપ ધરાવતા ૩૪ વર્ષના દિનેશ સોનીનું ગુરુવારે સવારે ટ્રેનમાંથી પડી જવાથી મૃત્યુ થયું હતું. વસઈ રેલવે-પોલીસે આ ઘટનાનો ઍક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ (ADR) નોંધીને પ્રાથમિક તપાસ શરૂ કરી છે. વસઈ અને નાલાસોપારા સ્ટેશન વચ્ચે દિનેશનો મૃતદેહ પોલીસને મળી આવ્યો હતો અને તેના ખિસ્સામાં રહેલો મોબાઇલ બ્લાસ્ટ થયેલી હાલતમાં મળ્યો હતો. પોલીસ પ્રાથમિક તપાસ એ કરી રહી છે કે મુસાફરી દરમ્યાન જ મોબાઇલ બ્લાસ્ટ થયો અને દિનેશનો હાથ છટકી જતાં તે નીચે પડ્યો કે શું?

નાલાસોપારા-ઈસ્ટમાં દિનેશ પત્ની, ૧૫ વર્ષની પુત્રી અને ૧૩ વર્ષના પુત્ર સાથે રહેતો હતો અને ભાઈંદરમાં ઇમિટેશન જ્વેલરીનો બિઝનેસ કરતો હતો એમ જણાવતાં દિનેશના નાના ભાઈ શેખર સોનીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુરુવારે દિનેશ સવારે નવ વાગ્યે ઑફિસે જવા નીકળ્યો હતો. તે ઑફિસે પહોંચ્યા પછી મારી ભાભીને ફોન કરીને પહોંચી ગયો છું એવી માહિતી આપતો. જોકે ગુરુવારે તેનો ફોન આવ્યો નહોતો અને તેનો મોબાઇલ પણ બંધ આવી રહ્યો હતો એટલે મેં તેની ઑફિસે ફોન કર્યો ત્યારે જાણવા મળ્યું કે તે ઑફિસે નથી આવ્યો. અંતે અમે તેને શોધવા ભાઈંદર રેલવે-સ્ટેશને પહોંચ્યા હતા. ત્યારે ત્યાં હાજર પોલીસ અધિકારીઓએ કહ્યું કે દિનેશનું ટ્રેનમાંથી પડી જવાથી મૃત્યુ થયું છે. દિનેશના ખિસ્સામાંથી મળેલા આધાર કાર્ડ પરથી તેની ઓળખ થઈ હતી. અમે સ્થાનિક હૉસ્પિટલમાં પહોંચ્યા ત્યારે દિનેશની એક સાથળ બળેલી હાલતમાં હતી. એ કેવી રીતે થયું એની માહિતી લેતાં પોલીસે અમને કહ્યું કે દિનેશનો ફોન બ્લાસ્ટ થયો છે. જોકે હજી સુધી અમને એ નથી જાણવા મળ્યું કે અકસ્માતનું મૂળ કારણ શું છે, કેવી રીતે દિનેશ ટ્રેનમાંથી પડ્યો અને પડવાનું કારણ શું હતું?’

વસઈ રેલવે પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર ભગવાન ડાંગેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રાથમિક માહિતી અનુસાર અમે ADR નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. દિનેશના ખિસ્સામાંથી તેનો બળી ગયેલો ફોન અમને મળ્યો હતો. અમે અકસ્માતનું કારણ શું હતું અને તેના ફોનમાં કેવી રીતે આગ લાગી જેના પરિણામે તેની સાથળ દાઝી ગઈ એની તપાસ કરી રહ્યા છીએ. એ સાથે આ કેસમાં એવો પણ ઍન્ગલ હોઈ શકે કે ચાલતી ટ્રેનમાં તેના ખિસ્સામાં રહેલો મોબાઇલ બ્લાસ્ટ થયો અને એને લીધે તેનો હાથ છૂટી જતાં તે નીચે પડી ગયો. આ બાબતે પણ અમે તપાસ કરી રહ્યા છીએ.’

nalasopara vasai virar train accident mumbai news mumbai mumbai police