11 August, 2024 06:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉદ્ધવ ઠાકરેની કાર પર છાણ ફેંકવામાં આવ્યું હતું.
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેની કાર પર શુક્રવારે બીડમાં સોપારી ફેંકીને વિરોધ કરવાના મામલામાં ઉદ્ધવ ઠાકરે જૂથના ચાર શિવસૈનિકની ધરપકડ કરવામાં આવી હતી. આ બનાવને પગલે ગઈ કાલે થાણેના ગડકરી રંગાયતનમાં ઉદ્ધવ ઠાકરેની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં સામેલ થવા માટે ઉદ્ધવ ઠાકરે થાણે પહોંચ્યા ત્યારે MNSના કાર્યકરોએ ઉદ્ધવ ઠાકરેનો જોરદાર વિરોધ કરીને તેમની કારના કાફલા પર બંગડી, છાણ અને નારિયેળ ફેંકવાની સાથે એક કારનો કાચ તોડી નાખ્યો હતો. ૫૦થી ૬૦ મનસૈનિકો ગડકરી રંગાયતનમાં ઘૂસી ગયા હતા અને તેમણે શિવસેનાનાં બૅનર ફાડ્યાં હતાં. જોકે પોલીસે બાદમાં સ્થિતિ પર કાબૂ મેળવવા MNSના કાર્યકરોની ધરપકડ કરીને સૂત્રોચ્ચાર કરનારાઓને વિખેરી નાખ્યા હતા એટલે ઉદ્વવ ઠાકરેની કાર ગડકરી રંગાયતન સભાગૃહ સુધી પહોંચી શકી હતી.
આ ઘટના બની એ પહેલાં ગઈ કાલે સવારે ઉદ્ધવ ઠાકરેની સભા મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના ગઢ થાણેમાં હતી એટલે મુખ્ય પ્રધાનના સમર્થકોએ બૅનર લગાવીને ઉદ્ધવ ઠાકરેની દિલ્હીની મુલાકાતની મજાક ઉડાડી હતી એટલે ઉદ્ધવ ઠાકરેના સમર્થકો અને શિંદેસેનાના કાર્યકરો સામસામે આવી ગયા હતા. એ પછી સાંજના સમયે મુસ્લિમ સમાજના લોકો માતોશ્રીની બહાર પહોંચી ગયા હતા અને તેમણે ઉદ્ધવ ઠાકરેએ વક્ફ બોર્ડ વિશે ભૂમિકા સ્પષ્ટ કરવાની માગણી કરીને સૂત્રોચ્ચાર કર્યો હતો. થોડી વાર પછી મુસ્લિમો વિખેરાઈ ગયા બાદ ઉદ્ધવ ઠાકરેની કાર જેમતેમ કરીને માતોશ્રીની બહાર નીકળી શકી હતી અને થાણેમાં તેમણે મનસૈનિકોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો.