રાજ ઠાકરેએ વિધાનસભાની ૨૨૫થી ૨૫૦ બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરીને ધડબડાટી બોલાવી

26 July, 2024 11:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લાડકી બહિણને ૧૫૦૦ રૂપિયા અને લાડકા ભાઉને સ્ટાઇપેન્ડ આપવા માટે રાજ્ય સરકાર પાસે રૂપિયા છે પણ ખાડા પૂરવા માટે નથી

રાજ ઠાકરે

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના ચીફ રાજ ઠાકરેએ મહારાષ્ટ્ર વિધાનસભાની ૨૨૫થી ૨૫૦ બેઠક લડવાની ગઈ કાલે જાહેરાત કરી હતી. પક્ષના પદાધિકારીઓની બેઠકમાં રાજ ઠાકરેએ નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના અજિત પવાર અને સુપ્રિયા સુળે તેમ જ ઉદ્ધવ ઠાકરેની ટીકા કરી હતી. રાજ ઠાકરેએ પદાધિકારીઓને માર્ગદર્શન આપતાં કહ્યું હતું કે ‘રાજ્યમાં અત્યારે અનેક જગ્યાએ પૂરની સ્થિતિ ઊભી થઈ છે એટલે શક્ય હોય ત્યાં પહોંચીને મદદ કરો. અત્યારે રાજ્યમાં શું ચાલી રહ્યું છે અને ભવિષ્યમાં શું થઈ શકે છે એનું આકલન કરો. વિધાનસભાની ચૂંટણીમાં આપણે ૨૨૫થી ૨૫૦ બેઠક લડીશું. યુતિ થશે કે નહીં એ વિચાર મનમાં ન લાવતા. ચૂંટણી ખૂબ જ રસાકસીવાળી અને ઘમસાણ મચાવનારી થશે. ચૂંટાવાની શક્યતા હોય તેમને જ ટિકિટ આપવામાં આવશે. તાલુકા અને શહેરાધ્યક્ષો, રાજકીય સ્થિતિનો તાગ લો. આપણે MNSના પદાધિકારીઓ અને આપણા નેતાઓને સત્તામાં બેસાડવા છે. લોકો મારી આ વાતની મજાક ઉડાવશે, પણ મને એની ચિંતા નથી. પહેલી ઑગસ્ટથી મહારાષ્ટ્રની મુલાકાત શરૂ કરીશ. સત્તાધારીઓ અને વિરોધ પક્ષોના નેતાઓને પાણી, નોકરી અને આરોગ્ય પર ધ્યાન આપવા માટે સમય નથી. લાડકી બ​હિણ અને લાડકા ભાઉ બન્ને પક્ષમાં સાથે રહ્યાં હોત તો તેમને આવી યોજના લાવવાની જરૂર જ ન પડત. બહિણને ૧૫૦૦ રૂપિયા અને ભાઉને સ્ટાઇપેન્ડ આપવા માટે રાજ્ય સરકાર પાસે રૂપિયા છે, પણ રસ્તા પરના ખાડા પૂરવા માટે નથી. મુખ્ય સમસ્યા પર ધ્યાન આપવાની જરૂર છે. વિધાનસભાની ચૂંટણીમાં આ જ આપણો મુખ્ય મુદ્દો હશે.’  

ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણી વખતે રાજ ઠાકરેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મહારાષ્ટ્રની મહાયુતિ સરકારને સમર્થન આપ્યું હતું. જોકે હવે તેમણે વિધાનસભાની ચૂંટણી એકલા હાથે લડવાની જાહેરાત કરી છે.

mumbai news mumbai raj thackeray maharashtra navnirman sena maharashtra news political news