24 April, 2023 11:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગુંદવલી મેટ્રો સ્ટેશનમાં પ્રવેશતી મેટ્રો (તસવીર : નિમેશ દવે)
પશ્ચિમી પરાંથી બીકેસી વચ્ચે રેલ કનેક્ટિવિટી ન હોવાને કારણે થતી સમસ્યાનો મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (એમએમઆરડીએ)એ ઉકેલ આણ્યો છે. એમએમઆરડીએ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે અને બીકેસી પર રેડ લાઇન ૭ના છેલ્લા સ્ટોપ ગુંદવલી વચ્ચે નવી સીધી એસી બસ-સર્વિસ શરૂ કરી રહ્યું છે.
બીકેસીમાં મોટી સંખ્યામાં ઑફિસો છે અને રેડ લાઇન ૭ હાલમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર અંધેરી જંક્શન પર ગુંદવલી ખાતે પૂરી થાય છે. આથી ગ્રાહકોને લાસ્ટ માઇલ કનેક્ટિનિટી પૂરી પાડવા માટે અમે નવી બસ-સર્વિસ શરૂ કરવા વિચારી રહ્યા હતા એમ જણાવતાં એક અધિકારીએ કહ્યું હતું કે બેસ્ટ ઉપક્રમ સાથે મળીને પ્રીમિયમ એસી બસ-સર્વિસ શરૂ કરવામાં આવી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘રૂટ-નંબર એસ-૧૧૨ સવારે સાડાસાતથી ૧૧.૪૦ વાગ્યા સુધી બીકેસી તરફ દોડાવવામાં આવશે. બપોરે ૩.૪૦થી રાતે ૮.૧૫ વાગ્યા સુધી આ બસ ગુંદવલી તરફ દોડશે. દિવસ દરમ્યાન આ બસની કુલ ૨૯ સર્વિસ હશે, જેમાંથી ૧૬ બીકેસી તરફ અને ૧૩ ગુંદવલી તરફ હશે અને એના માર્ગમાં કુલ ૨૧ સ્ટૉપ હશે. બસનું ભાડું ૬૦થી ૯૦ રૂપિયાનું રાખવામાં આવ્યું છે, જે પ્રવાસના સ્થળના અંતર પર નિર્ભર રહેશે. ટિકિટ બુક કરવા અને સર્વિસનો લાભ મેળવવા મુસાફરોએ ચલો ઍપ ડાઉનલોડ કરવાની રહેશે.’
એમએમઆરડીએના મેટ્રોપૉલિટન કમિશનર અને મહા મુંબઈ મેટ્રો ઑપરેશન કૉર્પોરેશન લિમિટેડના સીએમડી એસવીઆર શ્રીનિવાસે કહ્યું હતું કે ‘મુસાફરોને લાસ્ટ માઇલ કનેક્ટિવિટી પૂરી પાડવા માટે અમારું લક્ષ મેટ્રો સ્ટેશન નજીક પાર્કિંગ-સ્પેસ અનેઇલેક્ટ્રિક બાઇક્સ ઉપલબ્ધ કરવાનું રહેશે. મુંબઈગરાઓ આરામથી મુસાફરી કરી શકે એ હેતુથી અમે સિનર્જી બનાવવાની તથા એક મજબૂત માળખું તૈયાર કરવાની યોજના ધરાવીએ છીએ.’