25 December, 2024 01:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
મુંબઈ અને એની આસપાસ મહત્ત્વનાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સના પ્રોજેક્ટ તૈયાર કરતી મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઓથૉરિટી (MMRDA)ના અત્યારે મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)માં ઘણા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. એ પ્રોજેક્ટ ઝડપથી આગળ વધે એ માટે MMRDAના કમિશનરે ટ્રાફિક-વિભાગના કમિશનર અને એન્જિનિયર સાથે બેઠક યોજીને ૧૭ પરવાનગી મંજૂર કરાવી લીધી છે જેને લીધે ૯ મહત્ત્વના પ્રોજેક્ટ ઝડપથી આગળ વધી શકશે.
MMRDAએ કોઈ પણ પ્રોજેક્ટ માટે ઘણી એજન્સીઓની પરવાનગી લેવી પડે છે જેમાં મુંબઈ ટ્રાફિક-પોલીસનો પણ સમાવેશ છે. ટ્રાફિક-પોલીસ પાસેથી ઘણી બધી પરવાનગી મળવાની બાકી હોવાથી અમુક પ્રોજેક્ટનું કામ મંદ ગતિથી ચાલી રહ્યું હતું, જેમાં લિન્ક રોડ પરની મેટ્રો-2B ( અંધેરીના ડી. એન. નગરથી મંડાલે) સહિત મેટ્રોની અન્ય મહત્ત્વની લાઇનો અને શિવડી-વરલી કનેક્ટરનો પણ સમાવેશ થતો હતો એથી MMRDAના કમિશનર ડૉ. સંજય મુખરજીએ તેમના એન્જિનિયર્સ અને જૉઇન્ટ પોલીસ કમિશનર (ટ્રાફિક) અનિલ કુંભારે સાથે બેઠક કરીને ૧૭ પરવાનગી મેળવી હતી.