27 September, 2023 12:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વડાલાથી થાણે સુધીની મેટ્રો ૪ અને ૪એનું ચાલી રહેલું કામ
મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (એમએમઆરડીએ) દ્વારા મુંબઈને થાણે સાથે મેટ્રો નેટવર્કથી જોડવા માટે મેટ્રો ૪ અને મેટ્રો ૪એ લાઇનનું કામ કરવામાં આવી રહ્યું છે. આ બંને લાઇનની મેટ્રોના કોચનું સમારકામ અને મેઇન્ટેનન્સ કરવા માટે થાણેના મોઘરપાડામાં કારશેડ બનાવવામાં આવશે. આ માટે ટેન્ડર જારી કરવામાં આવ્યાં હતાં. નિયમ મુજબ ઓછું ટેન્ડર ભરનારી કંપનીને આ કામ સોંપવામાં આવશે.
એમએમઆરડીએ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ થાણેના કાસરવડવલી નજીકના મોઘરપાડાની ૪૨.૨૪ હેક્ટર જમીનમાં મેટ્રો ૪ અને ૪એ લાઇનની ટ્રેનો માટેનું કારશેડ બનાવવામાં આવશે. આ કામ કરવા માટે ટેન્ડર મગાવવામાં આવ્યાં હતાં, જેમાં મેસર્સ એસઈડબ્લ્યુ (જેવી) એલ૧ કંપનીએ ૯૦૫ કરોડ રૂપિયાનું સૌથી નીચું ટેન્ડર ભર્યું હતું એટલે આ કંપનીને કારશેડ બનાવવા માટેનું કામ સોંપવામાં આવ્યું છે. આ કારશેડમાં સ્ટેબલિંગ યાર્ડ્સ, ઑપરેશનલ કન્ટ્રોલ ટાવર, ઍડ્મિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગ્સ, મેઇન્ટેનન્સ અને વર્કશૉપ બિલ્ડિંગ્સ, સબ-સ્ટેશન, સ્ટાફ ક્વૉર્ટર્સ અને બીજાં જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ ઊભાં કરવામાં આવશે. આ ડેપોમાં અત્યારની ૩૨ અને ભવિષ્યની ૩૨ લાઇન મળીને કુલ ૬૪ સ્ટેબલિંગ લાઇન ઉપરાંત ૧૦ ઇન્સ્પેક્શન બે લાઇનો અને ૧૦ વર્કશૉપ લાઇન હશે.
મેટ્રો રેલ ૪નું કામ ૫૮ ટકા તો ૪એનું કામ ૬૧ ટકા પૂરું થયું છે. મુલુંડ ફાયર બ્રિગેડથી ગાયમુખ અને ગાયમુખ સ્ટેશને સાઇડિંગ તેમ જ ડેપોને જોડનારા બેલાસ્ટિક્સ રેલવેલાઇનના કામની ડિઝાઇન, ઉત્પાદન, પુરવઠો, સ્થાપના, ચકાસણી અને લાઇનને કમિશનિંગ કરવા માટેનું ૧૨૧,૫૫,૯૧,૩૪૯ કરોડ રૂપિયાનું ટેન્ડર પણ એમએમઆરડીએએ મંજૂર કર્યું છે. આ કામ મેસર્સ અપૂર્વક્રિતી ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામની કંપનીએ મગાવવામાં આવેલા ટેન્ડરની કિંમતથી ૭.૨૯ ટકા ઓછા દરે ભર્યું હતું.
એમએમઆરડીએના મેટ્રોપૉલિટન કમિશનર ડૉ. સંજય મુખરજીએ કહ્યું હતું કે ‘મુંબઈ મેટ્રો રેલ ૪ અને ૪એ એ મુંબઈ અને થાણેને જોડતી ૩૫ કિલોમીટરની સૌથી લાંબી મેટ્રો લાઇનો છે. મુંબઈના વડાલાથી થાણેના મુખ્ય વિસ્તારો સાથે ઝડપથી કનેક્ટ કરવા માટે મેટ્રો રેલનું કામ આગળ વધી રહ્યું છે. આ મેટ્રો લાઇન વહેલી તકે શરૂ કરવા માટે થાણેમાં મેટ્રો કારશેડ બાંધવાના ટેન્ડરને મંજૂરી આપી દેવામાં આવી છે. આ કામ શરૂ થવાની સાથે આખી લાઇનમાં ટ્રૅક બેસાડવાનું કામ પણ હાથ ધરવામાં આવશે. આ બંને મેટ્રો લાઇન શરૂ થયા બાદ આરામદાયક પ્રવાસ કરવાની સાથે લોકોનો સમય પણ બચશે.’