મુંબઈના એક છેડેથી બીજે છેડે ૫૯ મિનિટમાં પહોંચાડવાનો પ્લાન

24 September, 2024 11:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટ્રાફિકની સમસ્યાના કાયમી ઉકેલ માટે મુંબઈ પરિસરમાં ૫૮,૪૧૭ કરોડ રૂપિયાના ખર્ચે સાત રિંગ રોડ બનાવવામાં આવશે : MMRDA ફ્લાયઓવર, હાઇવે અને અન્ડરગ્રાઉન્ડ રસ્તાનું ૯૦ કિલોમીટરનું નેટવર્ક બનાવશે

૨૦૨૯ સુધીમાં પહેલા રિંગ રોડથી લઈને સાતમા આઉટર રિંગ રોડનું કામ પૂરું થયા બાદ નરીમાન પૉઇન્ટથી વર્સોવા-દહિસર-ભાઈંદર લિન્ક રોડ, ઉત્તન લિન્ક રોડ, વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઇવે, અલીબાગ વિરાર મલ્ટિ-મૉડલ કૉરિડોર, અટલ સેતુ-જે.એન.પી.ટી., ઑરેન્જ ગેટ ટનલથી નરીમાન પૉઇન્ટ સુધીનો આવો માર્ગ તૈયાર થઈ જશે.

મુંબઈ દેશની આર્થિક રાજધાની હોવા છતાં અહીં વાહનવ્યવહાર માટેની પૂરતી વ્યવસ્થા નથી એટલે મુંબઈગરાઓએ ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે આગામી પાંચ વર્ષમાં મુંબઈગરાઓને ટ્રાફિકની મુશ્કેલીમાંથી કાયમી છુટકારો મળે એ માટે મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)એ માસ્ટર પ્લાન બનાવ્યો છે. મુંબઈ પરિસરમાં ફ્લાયઓવર, હાઇવે અને અન્ડરગ્રાઉન્ડ ટનલ સહિતના ૯૦ કિલોમીટરના સાત ઇનર અને આઉટર રિંગ રોડ બનાવવાનું નેટવર્ક તૈયાર કરવા માટે MMRDAએ ૫૮,૪૧૭ કરોડ રૂપિયાના પ્રોજેક્ટને મંજૂરી આપી છે. ૨૦૨૯માં આ સાતેય રિંગ રોડ બની ગયા બાદ મુંબઈના એક છેડેથી બીજા છેડે માત્ર ૫૯ મિનિટમાં પહોંચી શકાશે એવો દાવો MMRDAએ કર્યો છે. આ ઉપરાંત મેટ્રો અને અન્ય મૂળભૂત સુવિધા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે એટલે બધા પ્રોજેક્ટ મળીને કુલ ત્રણ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.

ક્યાંથી ક્યાં બનશે સાત રિંગ રોડ ?

પહેલો રિંગ રોડ : નરીમાન પૉઇન્ટથી કોસ્ટલ રોડ, વરલી, શિવડી કનેક્ટર, ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે, ઑરેન્જ ગેટ ટનલથી નરીમાન પૉઇન્ટ સુધી.

બીજો રિંગ રોડ : નરીમાન પૉઇન્ટથી બાંદરા-વરલી સી-લિન્ક, સાંતાક્રુઝ-ચેમ્બુર લિન્ક રોડ, વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે, ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે, ઑરેન્જ ગેટ ટનલથી નરીમાન પૉઇન્ટ સુધી.

ત્રીજો રિંગ રોડ : નરીમાન પૉઇન્ટથી બાંદરા-વરલી કોસ્ટલ રોડ, વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે, જે.વી.એલ.આર., કાંજુરમાર્ગ જંક્શન, ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે એક્સ્ટેન્શન, ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે, ઑરેન્જ ગેટ ટનલથી નરીમાન પૉઇન્ટ સુધી.

ચોથો રિંગ રોડ : નરીમાન પૉઇન્ટથી બાંદરા-વરલી કોસ્ટલ રોડ, વર્સોવા-બાંદરા કોસ્ટલ રોડ, વર્સોવા-દહિસર લિન્ક રોડ, ગોરેગામ-મુલુંડ લિન્ક રોડ, ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે એક્સ્ટેન્શન, ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે, ઑરેન્જ ગેટ ટનલથી નરીમાન પૉઇન્ટ સુધી.

પાંચમો રિંગ રોડ : નરીમાન પૉઇન્ટથી બાંદરા-વરલી કોસ્ટલ રોડ, વર્સોવા-બાંદરા કોસ્ટલ રોડ, વર્સોવા-દહિસર લિન્ક રોડ, ભાઈંદર ફાઉન્ટન કનેક્ટર, ગાયમુખ ઘોડબંદર ટનલ, થાણે કોસ્ટલ રોડ, આનંદનગર, સાકેત ફ્લાયઓવર, ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે એક્સ્ટેન્શન, ઑરેન્જ ગેટ ટનલથી નરીમાન
પૉઇન્ટ સુધી.

છઠ્ઠો રિંગ રોડ : નરીમાન પૉઇન્ટથી વર્સોવા-બાંદરા કોસ્ટલ રોડ, મીરા-ભાઈંદર લિન્ક રોડ, અલીબાગ-વિરાર કૉરિડોર, થાણે કોસ્ટલ રોડ, આનંદનગર સાકેત ફ્લાયઓવર, ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે, ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે એક્સ્ટેન્શન, ઑરેન્જ ગેટ ટનલથી નરીમાન પૉઇન્ટ સુધી.

સાતમો આઉટર રિંગ રોડ : નરીમાન પૉઇન્ટથી વર્સોવા-દહિસર-ભાઈંદર લિન્ક રોડ, ઉત્તન લિન્ક રોડ, વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઇવે, અલીબાગ વિરાર મલ્ટિ-મૉડલ કૉરિડોર, અટલ સેતુ જે.એન.પી.ટી., ઑરેન્જ ગેટ ટનલથી નરીમાન પૉઇન્ટ સુધી.

mumbai news mumbai mumbai traffic maharashtra state road transport corporation maharashtra news