19 January, 2025 01:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉત્તમ જાનકર
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહા વિકાસ આઘાડીનો કારમો પરાજય ઇલેક્ટ્રૉનિક વૉટિંગ મશીન (EVM)માં ગરબડ કરવાથી થયો હોવાનો આરોપ કરવામાં આવી રહ્યો છે. આ બાબતે મહારાષ્ટ્રના મારકરવાડી અને ધાનોરે ગામના રહેવાસીઓએ EVMનો જોરદાર વિરોધ કરીને બૅલટ પેપરથી જ ચૂંટણી લડવાની માગણી કરી હતી. નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-શરદચંદ્ર પવાર)ના માળશિરસના વિધાનસભ્ય ઉત્તમ જાનકરે કેન્દ્રીય ચૂંટણીપંચને એક પત્ર લખીને કહ્યું છે કે તે ૨૩ જાન્યુઆરીએ વિધાનસભ્ય તરીકે રાજીનામું આપશે. એ પછી બૅલટ પેપર અથવા તો વોટર વેરિફિયેબલ પેપર ઑડિટ ટ્રેઇલ (VVPAT) મતદાતા સ્પષ્ટ રીતે કરી શકે એવી પદ્ધતિથી માળશિરસ બેઠકની પેટાચૂંટણી કરવામાં આવે એવી માગણી કરી છે. ચૂંટણીપંચ પેટાચૂંટણી જાહેર નહીં કરે તો દિલ્હીના જંતર મંતરમાં આંદોલન પર બેસવાની ચીમકી વિધાનસભ્યે આપી હોવાનું જાણવા મળ્યું હતું.