મીરા રોડનાં ગુજરાતી મહિલા સાથે ૭.૯૫ લાખ રૂપિયાની છેતરપિંડી

06 July, 2023 10:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પાર્ટટાઇમ જૉબ કરવા જતાં બન્યાં સાઇબર ફ્રૉડનો શિકાર 

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

મુંબઈમાં રોજેરોજ ઑનલાઇન ટ્રાન્ઝૅક્શનથી થતી છેતરપિંડી વિશેની ફરિયાદમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને વધતા જતા સાઇબર ફ્રૉડના બનાવોને અટકાવવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. મુંબઈ સહિત આસપાસનાં પરાંમાં પાર્ટટાઇમ જૉબની જાહેરાતમાં સંપર્ક કરતાં અલગ-અલગ બહાને ઑનલાઇન ટ્રાન્ઝૅક્શન કરાવીને ગઠિયાઓ છેતરપિંડી કરી રહ્યા છે. એવા જ એક બનાવમાં મીરા રોડમાં રહેતાં ૪૭ વર્ષનાં ગુજરાતી મહિલાએ સાઇબર ફ્રૉડમાં ૭.૯૫ લાખ રૂપિયા ગુમાવ્યા હતા. આ ઘટનાની ફરિયાદ કાશીમીરા પોલીસ સ્ટેશને નોંધીને એની તપાસ શરૂ કરી છે.

મીરા રોડ-ઈસ્ટમાં ઠાકુર કૉમ્પ્લેક્સ નજીક એક સોસાયટીમાં રહેતાં જિજ્ઞા અરવિંદ મહેતાએ કરેલી ફરિયાદ અનુસાર તેણે ખાનગી કંપનીમાં નોકરી કરીને પૈસા ભેગા કર્યા હતા. જોકે ૨૦૨૧માં પિતાના મૃત્યુ પછી સિનિયર સિટિઝન માતાની સંભાળ રાખવા નોકરી છોડીને ઘરે રહેવાની શરૂઆત કરી હતી. દરમ્યાન તેને ૨૫ માર્ચે મીરા પુરન નામની એક મહિલાનો વૉટ્સઍપ પર મેસેજ આવ્યો હતો, જેમાં વર્ક ફ્રૉમ હોમ માટેની ઑફર આપીને કેટલીક હોટેલોનાં નામ આપ્યાં હતાં. ગૂગલ પર એ હોટેલો માટે રિવ્યુ આપીને એક રિવ્યુના ૫૦ રૂપિયા આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો. એ ટાસ્ક પૂરો કરીને ફરિયાદી મહિલાએ ૧૨ રિવ્યુ આપતાં ૬૦૦ રૂપિયા મોકલવામાં આવ્યા હતા. ત્યાર બાદ ફરિયાદી મહિલાને ટેલિગ્રામ લિન્ક મોકલીને એક વેબસાઇટ આપવામાં આવી હતી, જેમાં પૈસા ઇન્વેસ્ટ કરીને મોટા ફાયદા માટેની લાલચ આપીને ધીરે-ધીરે તેની પાસેથી ૭.૯૫ લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હતા. અંતે એટલા પૈસા ભર્યા પછી પણ કંઈ પાછું ન આવતાં પોતાની સાથે થયેલી છેતરપિંડી સમજાતાં મહિલાએ ૪ જુલાઈએ કાશીમીરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

કાશીમીરા પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે આ ઘટનાની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. જે અકાઉન્ટમાં મહિલાએ પૈસા ટાન્સફર કર્યા છે એની માહિતી અમે કાઢી રહ્યા છીએ. જોકે હાલ એ અકાઉન્ટમાં એક પણ રૂપિયો ન હોવાની માહિતી અમને મળી છે.’

mira road cyber crime Crime News mumbai crime news mumbai mumbai news mumbai police