22 July, 2024 03:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મીરા રોડમાં ૭૪ વર્ષનાં સિનિયર સિટિઝન મહિલા દેરાસરમાં પૂજા કરીને બહાર આવ્યાં ત્યારે મંદિરની પાસે ઊભેલી એક વ્યક્તિ ચતુરાઈથી તેમનું મંગળસૂત્ર લઈને નાસી ગઈ હતી. આ બનાવ વિશે નયાનગર પોલીસ-સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
મીરા રોડના શાંતિનગરમાં આવેલા સેક્ટર-નંબર એકમાં હર્ષ વિહારમાં રહેતાં ૭૪ વર્ષનાં સુમન શાહ દરરોજ સવારે પૂજા કરવા દેરાસરમાં જતાં હોય છે. બુધવારે પણ તેઓ પોતાના સમય પ્રમાણે સવારે નવ વાગ્યે પૂજા કરવા ગયાં હતાં. મંદિરમાં ગુરુવાણી સાંભળીને તેઓ શાંતિનગરના સેક્ટર-નંબર ત્રણના પાછળના ભાગમાં પહોંચ્યાં હતાં. એ વખતે તેમની પાસે એક માણસ આવ્યો અને તમારા ગળા પર કીડો છે એમ કહેવા લાગ્યો હતો. કીડો દેખાય એમ નહોતો એનો લાભ લઈને તે માણસે રસ્તા પર પડેલી નાની લાકડી લઈને તેમના ગળા પર ફેરવી હતી. એમ કરીને તે ચતુરાઈથી ગળામાંથી બે તોલાનું મંગળસૂત્ર લઈને નાસી ગયો હતો.