પત્નીને ગુડબાય મેસેજ અને આત્મહત્યા કરતા હોવાનો ફોટો મોકલીને વેપારીએ કર્યું સુસાઇડ

02 July, 2024 02:05 PM IST  |  Mumbai | Priti Khuman Thakur

લલિત જૈનની સામે તેની પત્ની અનુએ ફરિયાદ કરી હોવાથી પોલીસની પૂછપરછ બાદ ઘરે પાછા આવેલા મારવાડી વેપારીએ કરી આત્મહત્યા

સુસાઇડ-નોટ લખીને સુસાઇડ કરનારા મીરા રોડમાં રહેતા લલિત જૈન અને તેમની બન્ને દીકરીઓ

લલિત જૈનની સામે તેની પત્ની અનુએ ફરિયાદ કરી હોવાથી પોલીસની પૂછપરછ બાદ ઘરે પાછા આવેલા મારવાડી વેપારીએ કરી આત્મહત્યા: અનુ બન્ને દીકરીઓ સાથે પ્રેમી સાથે રહેતી હોવાની લલિતના પરિવારજનોએ પોલીસમાં કરેલી ફરિયાદમાં કર્યો આક્ષેપ : મૉડ્યુલર કિચનનું કામ કરતા લલિતે અંગ્રેજીમાં લખેલી સુસાઇડ-નોટમાં પત્ની અને તેના પ્રેમીને આ અંતિમ પગલું ભરવા માટે ગણાવ્યાં જવાબદાર

મીરા રોડમાં રહેતા એક જૈન વેપારીએ પહેલાં પત્નીને ગુડબાયનો મેસેજ કર્યો અને ત્યાર બાદ રસીથી ફાંસો ખાઈને આત્મહત્યા કરી રહ્યો હોવાનો ફોટો મોકલીને સુસાઇડ કરી લીધું હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. ગયા મંગળવારે બનેલી આ ઘટનાની રવિવારે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. ૩૭ વર્ષના લલિત જૈન નામના વેપારીએ પત્નીના અફેરને લીધે આત્મહત્યા કરી હોવાની ફરિયાદ તેના પિતાએ નવઘર પોલીસ-સ્ટેશનમાં નોંધાવી છે.

મીરા રોડના રામદેવ પાર્કમાં અન્નપૂર્ણા બિલ્ડિંગમાં રહેતા દિગમ્બર જૈન સમાજના ૩૭ વર્ષના લલિત ભગવતીલાલ જૈન મૉડ્યુલર કિચનનો વ્યવસાય કરતા હતા. લલિતનાં લગ્ન થોડાં વર્ષો પહેલાં અનુ જૈન સાથે થયાં હતાં. તેમને ૬ અને ૧૫ વર્ષની બે દીકરીઓ છે. પતિ-પત્ની વચ્ચે કેટલાક સમયથી વિવાદ વધવા લાગ્યો હતો.આ સંપૂર્ણ બનાવ વિશે માહિતી આપતાં બોરીવલી-વેસ્ટમાં જાંબલી ગલીમાં રહેતાં લલિતનાં મમ્મી દેવી જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘લલિત મારો મોટો દીકરો છે અને તે દર પૂનમે પરિવારમાં કોઈ તકલીફ ન આવે એ માટે રાજસ્થાનમાં અમારાં કુળદેવીનાં દર્શને જતો હતો. ૨૨ જૂને પણ તે દેશમાં દર્શન કરવા ગયો અને ૨૪ જૂને ઘરે આવી રહ્યો હતો ત્યારે તેને વસઈની પોલીસે ફોન કરીને તારી સામે પત્નીએ ફરિયાદ નોંધાવી હોવાથી મુંબઈ આવતાં જ પોલીસ-સ્ટેશને મળવાં આવવું પડશે એમ કહ્યું હતું. એથી તે પ્રવાસ કરતો હતો ત્યારથી જ ચિંતામાં હતો. ઘરે આવીને જોયું તો તેની બન્ને દીકરીઓની બૅગ અને સામાન સાથે પત્ની જતી રહી હોવાથી તે વધુ આઘાતમાં આવી ગયો હતો. એ દિવસે મુંબઈ આવીને તે તરત તેની પત્નીને મળવા ગયો અને બન્ને દીકરીઓને તેને સોંપવાની વાત કરી હતી ત્યારે તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી. રાતે ફરી પોલીસનો ફોન આવ્યો કે તું મુંબઈ આવી ગયો છે તો પોલીસને મળવા કેમ નથી આવ્યો? એથી લલિત રાતે ડ્રાઇવર સાથે વસઈમાં પોલીસ-સ્ટેશને ગયો હતો. રાતે નવથી બાર વાગ્યા સુધી તે ત્યાં જ હતો અને ઘરે આવતાં દોઢેક વાગી ગયો હતો. મોડું થતાં ડ્રાઇવર પણ લલિત સાથે ઘરે સૂઈ ગયો હતો અને સવારે તે જતો રહ્યો હતો. ૨૫ જૂને બપોરે પોણા એક વાગ્યાની આસપાસ લલિતે તેની પત્નીને ગુડબાય કરીને મેસેજ કરવાની સાથે રસીથી ફાંસી લગાવતો હોવાનો ફોટો મોકલ્યો હતો અને ત્યાર બાદ તેણે આ પગલું ભર્યું હતું. તેણે બાજુમાં રહેતા અમારા એક સંબંધીને જાણ કરી હતી, પરંતુ તેઓ પહોંચીને દરવાજો તોડીને અંદર જાય એ પહેલાં તેણે જીવ આપી દીધો હતો. લલિતે ઇંગ્લિશમાં લખેલી સુસાઇડ-નોટમાં પોતાની વેદના વર્ણવી છે એના પરથી અંદાજ લગાવી શકાય છે કે તે કેટલો પરેશાન થઈ ગયો હતો. સુસાઇડ-નોટમાં તેણે પત્ની અને તેના પ્રેમીને જવાબદાર ઠેરવ્યાં છે. એથી લલિતના અંતિમ સંસ્કાર બાદ અમે હિંમત ભેગી કરીને રવિવારે નવઘર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.’

પોલીસનું શું કહેવું છે?

આ વિશે નવઘર પોલીસ-સ્ટેશનના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર રાહુલ સાળુંકેએ ‘મિડ-ડે’ જણાવ્યું હતું કે ‘આ દંપતી વચ્ચે છેલ્લા એક-દોઢ વર્ષથી વિવાદ ચાલી રહ્યો હતો. અમે બધી માહિતી ભેગી કરી છે અને લલિતના પિતાની ફરિયાદના આધારે ગુનો દાખલ કર્યો છે. લલિતે લખેલી સુસાઇડ-નોટમાં તેણે ઘણું બધું લખ્યું છે અને એના પર અમારી તપાસ ચાલી રહી છે. તપાસના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.’

jain community suicide mira road mumbai mumbai news mumbai police preeti khuman-thakur