મીરા રોડમાં સ્ટેશનની બહાર બેસતા ગેરકાયદે ફેરિયાઓના ઝઘડામાં થઈ શુક્રવારની હત્યા

06 January, 2025 01:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોલીસે બે સગા ભાઈની ધરપકડ કરી, હજી એક જણની શોધ

આરોપી પાસેથી જપ્ત કરવામાં આવેલી પિસ્ટલ અને કારતૂસ સાથે કાશીમીરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ.

મીરા રોડ રેલવે-સ્ટેશનને અડીને આવેલા શાંતિ શૉપિંગ સેન્ટરમાં શુક્રવારની રાતે શમ્સ તબરેઝ શહાબુદ્દીન અન્સારી ઉર્ફે સોનુના માથામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે ૨૪ કલાકની અંદર હત્યાના આ મામલામાં બે સગા ભાઈની ધરપકડ કરી છે, જ્યારે તેમને સહયોગ કરનારા એક શૂટરને શોધવામાં આવી રહ્યો છે. 

પોલીસની તપાસમાં જણાયું છે કે ૩૨ વર્ષના શમ્સ અન્સારીની હત્યા મીરા રોડ રેલવે-સ્ટેશનની બહાર કપડા વેચવા માટે બાકડો લગાવવા માટેના ઝઘડાને લઈને કરવામાં આવી છે. મીરા-ભાઈંદર વસઈ-વિરાર પોલીસની ક્રાઇમ બ્રાન્ચના ડેપ્યુટી પોલીસ-કમિશનર મદન બલ્લાળે ગઈ કાલે માહિતી આપી હતી કે શમ્સ અન્સારી બાંદરાથી કપડાં લાવીને મીરા રોડમાં રસ્તા પર બેસતા ફેરિયાઓને આપતો હતો. શાંતિ શૉપિંગ સેન્ટરમાં રેલવે-સ્ટેશનની બહાર આવેલી શાંતિ સાગર હોટેલ પાસે છ મહિનાથી કપડાનું વેચાણ કરી રહેલા શમ્સ અન્સારીના પાર્ટનર ઈસા શેખની મારપીટ આરોપી મોહમ્મદ યુસુફ મન્સુર અલી આલમ અને તેના ભાઈએ કરી હતી. આથી તેમની સામે પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ફરિયાદમાં શમ્સ અન્સારી સાક્ષી હતો. શમ્સ અને આરોપી વચ્ચે બાદમાં ઝઘડો વધતાં આરોપી યુસુફ આલમે તેના નાલાસોપારામાં રહેતા નાના ભાઈ સૈફ અલીને શમ્સ અન્સારીને ખતમ કરવાનું કહ્યું હતું એટલે ૩ જાન્યુઆરીએ ફાયરિંગ કરીને શમ્સ અન્સારીની હત્યા કરવામાં આવી હતી. હત્યાનું કાવતરું મોહમ્મદ યુસુફે ઘડ્યું હતું એટલે પહેલાં તેને બદલાપુરથી પકડવામાં આવ્યો હતો અને બાદમાં તેના ભાઈ સૈફ અલીને પકડીને તેની પાસેથી દેશી બનાવટની એક પિસ્ટલ અને ૬ જીવંત કારતૂસ જપ્ત કરવામાં આવી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરીને સાત દિવસની પોલીસ-કસ્ટડી મેળવવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે મીરા રોડ રેલવે-સ્ટેશનને આદર્શ સ્ટેશન તરીકે ડેવલપ કરવામાં આવ્યું છે. આથી અહીં પહેલાં એક પણ ફેરિયાને બેસવા નહોતા દેવાતા. જોકે દોઢેક વર્ષથી રેલવે સ્ટેશન પરિસર અને સ્કાયવૉકમાં પણ અસંખ્ય ફેરિયાઓ બેસે છે. સ્થાનિક રહેવાસી અને વેપારીઓનો આરોપ છે કે સ્થાનિક પ્રશાસન અને પોલીસની બેદરકારીને લીધે જ ગેરકાયદે ફેરિયાઓની દાદાગીરી વધી છે. ફેરિયાઓના ઝઘડામાં જ શમ્સ અન્સારીની હત્યા કરવામાં આવી છે.

mira road crime news mumbai crime news news mumbai mumbai news murder case mumbai railways