midday

મીરા-ભાઈંદરના પર્યાવરણપ્રેમીઓની લડત રંગ લાવી

07 March, 2025 07:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સુધરાઈએ ૧૨૦૮ વૃક્ષ કાપવાનો નિર્ણય રદ કર્યો
મીરા રોડના ઉદ્યાનમાં વૃક્ષો બચાવવા માટે આંદોલન કરનારાઓ સાથે પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈક.

મીરા રોડના ઉદ્યાનમાં વૃક્ષો બચાવવા માટે આંદોલન કરનારાઓ સાથે પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈક.

મીરા-ભાઈંદર મહાનગરપાલિકાએ મીરા રોડના જ્ઞાનજ્યોતિ સાવિત્રીબાઈ ફુલે ઉદ્યાનની બાજુમાં સિવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) ઊભો કરવા માટે ૧૨૦૮ વૃક્ષ કાપવાનો નિર્ણય લીધો હતો. જોકે સ્થાનિક રહેવાસીઓ અને પર્યાવરણપ્રેમીઓએ સુધરાઈનાં ઝાડ કાપવાના નિર્ણયનો જોરદાર વિરોધ કરીને રવિવારથી આંદોલન શરૂ કર્યું હતું. વૃક્ષોને કાપવાથી પર્યાવરણને નુકસાન થવાની સાથે STPમાં દુર્ગંધ પેદા થશે એ આસપાસની સોસાયટીમાં ફેલાવાથી લોકોના આરોગ્યને વિપરીત અસર કરશે એવી રજૂઆત કરતો પત્ર સુધરાઈને લખીને નિર્ણય રદ કરવાની માગણી કરવામાં આવી હતી.

પર્યાવરણપ્રેમીઓ મંગળવારે આંદોલન કરી રહ્યા હતા ત્યારે પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકે આ લોકોની મુલાકાત કરી હતી અને તેમની વાત સાંભળી હતી. આ સમયે મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના અધિકારીઓને પણ બોલાવવામાં આવ્યા હતા. તેમની પાસેથી પ્લાન્ટની માહિતી લેવામાં આવી હતી અને STPના નિયમ વિશે પૂછવામાં આવ્યું હતું. સુધરાઈના અધિકારીઓએ કહ્યું હતું કે STP રહેણાક વિસ્તારથી ૫૦૦ મીટરના અંતરે હોવો જોઈએ. જ્યારે સુધરાઈએ ઉદ્યાન અને હાઉસિંગ સોસાયટીની નજીક જ STP ઊભો કરવાનો નિર્ણય લીધો હતો. પ્રતાપ સરનાઈકે નિયમનું ઉલ્લંઘન કરનાર આ પ્લાન્ટને તાત્કાલિક રદ કરવાનો આદેશ સુધરાઈના અધિકારીઓને આપ્યો હતો. આમ પર્યાવરણપ્રેમીઓ અને સ્થાનિક રહેવાસીઓની વૃક્ષો બચાવવાની ઝુંબેશ રંગ લાવી હતી.

મીરા રોડમાં રસ્તાના કામમાં આડે આવતાં બાંધકામ તોડી પડાયાં

મીરા રોડ-ઈસ્ટમાં કાશીગાવ વિસ્તારમાં ૧૫ મીટર પહોળો રસ્તો બંધાઈ રહ્યો છે. રસ્તાના આ કામની આડે આવતાં ગેરકાયદે બાંધકામ ગઈ કાલે સુધરાઈના અતિક્રમણ વિભાગે તોડી પાડ્યાં હતાં. બાંધકામ દૂર કરવામાં આવ્યાં છે એટલે હવે કાશીગાવના લક્ષ્મીબાગનો રસ્તો પહોળો થઈ જશે અને અહીંની ટ્રૅફિકની સમસ્યામાં સુધારો થશે.

mira road mira bhayandar municipal corporation environment air pollution maharashtra news mumbai mumbai news